પ્રકરણ : 2
પડઘો
સુરતની રાતો ક્યારેય સંપૂર્ણપણે સૂતી નથી, પણ શનિવારની આ રાત કઈંક અલગ જ હતી. શહેરના રસ્તાઓ પરથી વાહનોની અવરજવર હવે ધીમી પડી ગઈ હતી, સ્ટ્રીટ લાઈટોના પીળા થાંભલાઓ જાણે દિવસભરના થાક પછી માથું ઢાળી બેઠા હોય તેમ લાગતું હતું. મિત્રો સાથેની મહેફિલ પૂરી કરીને હું જ્યારે છૂટો પડ્યો, ત્યારે ઘડિયાળના કાંટા બારને વટાવી ચૂક્યા હતા. ગાડીના ટાયર ડામરના રસ્તા પર 'ઘરરર...' કરતા સરકતા હતા, પણ એ અવાજ મારા મનમાં ચાલતા વિચારોના વાવાઝોડાને દબાવી શકતો નહોતો.
સામાન્ય રીતે મિત્રોને મળ્યા પછી મન હળવું થઈ જતું હોય છે, એક તાજગી મળતી હોય છે. પણ આજે... આજે એક વિચિત્ર પ્રકારનો ભાર હતો. શારીરિક નહીં, પણ માનસિક થાક હતો. જાણે હું કોઈ એવી રેસમાં દોડી રહ્યો હતો જેનો કોઈ 'ફિનિશ લાઈન' જ નહોતી. સ્ટીયરિંગ પરની મારી પકડ મજબૂત હતી, પણ જિંદગી પરની પકડ છૂટી રહી હોવાનો અહેસાસ તીવ્ર હતો.
હું મારા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પહોંચ્યો. અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ટ્યુબલાઈટનો ઝબકતો પ્રકાશ અને અંધકાર વચ્ચે સંતાકૂકડી રમાતી હતી. ગાડી લોક કરી અને ચાવી આંગળીમાં ફેરવતો હું લિફ્ટ તરફ આગળ વધ્યો. લિફ્ટનો જૂનો, કાટ ખાધેલો દરવાજો ખૂલ્યો ત્યારે થયેલો 'ઘડડડ...' અવાજ આખી સોસાયટીના સન્નાટામાં કોઈ વિસ્ફોટ જેવો લાગ્યો. ચોથા માળે પહોંચીને હું મારા ફ્લેટના દરવાજે અટક્યો. આ એ જ દરવાજો હતો જે મેં અને મારા માતા-પિતાએ વર્ષો પહેલાં કેટલા બધા સપનાઓ સાથે ખરીદ્યો હતો. દરવાજા પર લાગેલી 'હાર્દિક' નામની પ્લેટ મેં ગર્વથી લગાવી હતી. પણ આજે એ નામ મને કોઈ બીજાનું હોય તેમ પરાયું લાગતું હતું. શું આ લાકડાના દરવાજાની પાછળ જે દુનિયા છે, તે જ મારું સત્ય છે?
મેં સાવચેતીથી, અવાજ ન થાય તેમ મારા ગજવામાંથી ચાવી કાઢી. હાથમાં રહેલી ચાવી ધાતુની હતી, પણ મને તે ક્ષણે તે મારા અસ્તિત્વના તાળાની ચાવી હોય તેમ લાગ્યું. 'ક્લિક'... તાળાનો હળવો અવાજ આવ્યો અને મેં ધીમેથી દરવાજો ખોલ્યો.
અંદર ઘોર અંધારું હતું. ડ્રોઈંગ રૂમમાં ફ્રિજના કોમ્પ્રેસરનો એકધાર્યો 'હમમમ...' અવાજ અને દીવાલ ઘડિયાળની 'ટિક... ટિક...' સિવાય કશું જ નહોતું. આ અવાજો મને કહેતા હતા કે સમય વહી રહ્યો છે, નિરંતર, નિર્દયતાથી. માતા-પિતા ક્યારના સૂઈ ગયા હતા. તેમના રૂમમાંથી આવતા પંખાના અવાજે મને ખાતરી આપી કે દુનિયા રાબેતા મુજબ ચાલી રહી છે—બસ હું જ એકલો ક્યાંક અટવાયો છું. હું કોઈ ચોર હોય તેમ દબાયેલા પગલે, મારા બૂટ હાથમાં લઈને, અંધારામાં સોફા અને ટીપોયને તારવતો સીધો મારા બેડરૂમ તરફ સરી ગયો.
બેડરૂમમાં પ્રવેશીને મેં દરવાજો અંદરથી બંધ કર્યો અને પીઠ દરવાજે ટેકવીને હું બે ક્ષણ ત્યાં જ ઊભો રહ્યો. અહીં હું સુરક્ષિત હતો? કે પછી અહીં હું કેદ હતો? મારી નજર મારા રૂમમાં ફરી વળી. પુસ્તકોથી ભરેલું કબાટ, વેરવિખેર પડેલા કાગળો, સ્કૂલની ડાયરી અને ટેબલની બરાબર મધ્યમાં પડેલું એ પુસ્તક—રશિયન લેખક અર્ન્સ્ટ મુલદાસેવનું Where Do We Come From?. આ પુસ્તક છેલ્લા એક મહિનાથી મારા માટે માત્ર કાગળનો થોથો નહોતું રહ્યું, પણ મારી જિંદગીના અધૂરા કોયડાનો એકમાત્ર ટુકડો બની ગયું હતું.
કપડાં બદલવાની પણ દરકાર કર્યા વિના હું સ્ટડી ટેબલની ખુરશીમાં ફસડાયો. મેં લેમ્પ ચાલુ કર્યો. પીળાશ પડતા અજવાળામાં આખા ઓરડામાં પડછાયાઓ નાચવા લાગ્યા. મારી આંગળીઓ આપમેળે જ પુસ્તકના પાનાઓ પર ફરવા લાગી. પાના નંબર ૧૦૮. આ પાનું મેં એટલી વાર વાંચ્યું હતું કે હવે તો અક્ષરે અક્ષર, અલ્પવિરામ અને પૂર્ણવિરામ સુદ્ધાં મારા મગજમાં કોતરાઈ ગયા હતા. લેખક કૈલાશ પર્વતના રહસ્યમય ભૌમિતિક આકાર વિશે વાત કરી રહ્યા હતા.
"કૈલાશ કોઈ સામાન્ય પર્વત નથી," હું મનોમન વાંચી રહ્યો હતો, મારા હોઠ થોડા ફફડ્યા. "તે કુદરતી રીતે બનેલો પિરામિડ છે. તે પૃથ્વીનું ધરીય કેન્દ્ર છે. ત્યાં સમય અને અવકાશના નિયમો બદલાઈ જાય છે... ત્યાં જનારાઓનો સમય ઝડપથી વીતે છે..."
મારા મગજમાં વિચારોનું યુદ્ધ ચાલુ હતું. શું ખરેખર? શું પથ્થરો પણ બોલી શકે? શું કોઈ પર્વત સમયને થંભાવી શકે કે ઝડપી બનાવી શકે? સુરતની આ ગરમીમાં, બંધ રૂમમાં બેઠા બેઠા મને અચાનક કૈલાશની શીતળતાનો ભાસ થવા લાગ્યો. મારી આંખો પુસ્તકના શબ્દો પર હતી, પણ મારું મન હિમાલયની ટોચ પર ભટકી રહ્યું હતું.
શબ્દો વાંચતા વાંચતા ક્યારે અક્ષરો ધૂંધળા થવા લાગ્યા, એકબીજામાં ભળવા લાગ્યા અને મારી પાપણો સીસા જેવી ભારે થઈ ગઈ, મને ખબર જ ન પડી. સુરતના ભેજવાળા વાતાવરણનો થાક અને મનનો ભાર બંને એક થઈ ગયા. ટેબલ લેમ્પનો પ્રકાશ ધીમે ધીમે ઓસરતો ગયો. મારું માથું પુસ્તકના એ ખુલ્લા પાના પર ઢળી પડ્યું અને હું ચેતના અને અચેતના વચ્ચેના એક ઊંડા નિદ્રાના સમુદ્રમાં ડૂબી ગયો. ...અને ત્યાં જ... ભૌતિક જગતના બધા જ નિયમો તૂટી પડ્યા.
સુરતનો ઉકળાટ, પંખાનો ઘરઘરાટ, બહાર ભસતા કૂતરાઓનો અવાજ—બધું જ એકાએક ગાયબ થઈ ગયું. જાણે કોઈએ બ્રહ્માંડનું વોલ્યુમ મ્યુટ કરી દીધું હોય અને ચેનલ બદલી નાખી હોય.
પહેલાં તો માત્ર અંધારું હતું. એક ગાઢ, કાળું, નિરવ અંધારું. પણ એ અંધકાર ડરામણો નહોતો; એ માતાના ગર્ભ જેવો શાંત અને સલામત હતો. ધીમે ધીમે મારી આંખો સામે એક ઝાંખો, આસમાની ભૂરો પ્રકાશ પથરાવા લાગ્યો. મને લાગ્યું કે હું ઊભો છું, પણ મારા પગ નીચે લાદી કે જમીન નહોતી. હું હવામાં... ના, વાદળો પર ચાલી રહ્યો હતો. મારી આસપાસ ઠંડો, બરફીલો પવન ફૂંકાવા લાગ્યો. એ પવન એટલો તીવ્ર હતો કે સામાન્ય સંજોગોમાં મારું લોહી થીજી જાય, પણ અહીં... અહીં એ પવન મને સ્પર્શતો હતો છતાં મને ઠંડી નહોતી લાગતી. ઉલટાનું, એ ઠંડકમાં એક વિચિત્ર પ્રકારની હૂંફ હતી, જાણે કોઈએ મને વર્ષો પછી વહાલથી ભેટી લીધો હોય.
મારી સામેનું ધુમ્મસ હટ્યું. અને જે દ્રશ્ય ખડું થયું, તે જોઈને મારો આત્મા સ્તબ્ધ થઈ ગયો. જ્યાં સુધી મારી નજર પહોંચતી હતી, ત્યાં સુધી માત્ર શ્વેત રણ ફેલાયેલું હતું. બરફ, બરફ અને માત્ર બરફ. કોઈ વૃક્ષ નહીં, કોઈ પક્ષી નહીં, કોઈ મકાન નહીં. માત્ર અનંત શૂન્યતા. અને એ અનંત સફેદીની વચ્ચે, બરાબર મધ્યમાં, એક વિરાટ, કાળમીંઢ પથ્થરનો પર્વત ગર્વભેર ઊભો હતો.
કૈલાશ!
પુસ્તકના ફોટામાં જોયો હતો તેના કરતાં તે હજારો ગણો ભવ્ય અને રૌદ્ર હતો. તે માત્ર પથ્થરનો પહાડ નહોતો. તે કોઈ જીવંત સ્ફટિક જેવો લાગતો હતો. તેની કાળી શિલાઓ પર સૂર્યના કિરણો પડતા નહોતા, પણ જાણે પર્વત પોતે જ અંદરથી એક દિવ્ય, તેજસ્વી પ્રકાશ ફેંકી રહ્યો હતો. તેની રચના કોઈ શિલ્પકારે ટાંકણાથી કોતરી હોય તેવી ચોક્કસ ભૌમિતિક હતી—એક સંપૂર્ણ પિરામિડ. તેની દક્ષિણ દિશાની દીવાલ મારી સામે હતી, જેના પર બરફ એવી રીતે જામ્યો હતો જાણે કોઈએ પથ્થરમાં સીડી કોતરી હોય. સ્વર્ગની સીડી!
હું મંત્રમુગ્ધ થઈને, કોઈ અદ્રશ્ય દોરીથી ખેંચાતો હોઉં તેમ આગળ વધ્યો. મારા પગ બરફ પર પડતા હતા, પણ બરફમાં કોઈ પગલાંની છાપ પડતી નહોતી—જાણે મારું ભૌતિક શરીર ત્યાં હતું જ નહીં. ચારે બાજુ એક ગંભીર સન્નાટો હતો—એવો સન્નાટો જેમાં તમે તમારા પોતાના આત્માનો અવાજ પણ સાંભળી શકો. ત્યાં જ, મારી જમણી બાજુએ મને એક વિશાળ સરોવર દેખાયું. માનસરોવર. પાણી એટલું નીલરંગી, શાંત અને સ્થિર હતું કે જાણે પ્રવાહી કાચ. આકાશમાં તરતા વાદળોનું પ્રતિબિંબ તેમાં એટલું સ્પષ્ટ હતું કે આકાશ કયું અને પાણી કયું તે ભેદ પારખવો મુશ્કેલ હતો. મેં કાંઠે જઈને પાણીમાં ડોકિયું કર્યું. મારે મારું પ્રતિબિંબ જોવું હતું, પણ પાણીમાં મને 'હાર્દિક' ન દેખાયો. સુરતનો એ શિક્ષક, એ ચિંતાતુર ચહેરો ન દેખાયો. ત્યાં એક જ્યોત દેખાઈ... માત્ર એક સળગતી, કંપતી જ્યોત.
"હું કોણ છું?" મેં બૂમ પાડવાની કોશિશ કરી, પણ મારા ગળામાંથી અવાજ ન નીકળ્યો. ત્યાં હવા એટલી પાતળી હતી કે શબ્દો હોઠ સુધી આવતા જ થીજી જતા હતા.
અચાનક, વાતાવરણમાં એક ધ્વનિ ગુંજી ઉઠ્યો. 'ડમ... ડમ... ડમ...' કોઈ ડમરું વગાડી રહ્યું હતું? ના, એ કોઈ વાદ્યનો અવાજ નહોતો. એ તો મારા હૃદયના ધબકારા હતા જે પર્વતના ધબકારા સાથે એક લયમાં આવી ગયા હતા. આખો પર્વત ધબકી રહ્યો હતો. પૃથ્વીનું હૃદય અહીં ધબકતું હતું.
પર્વતની તળેટીમાંથી, એ ગાઢ ધુમ્મસમાંથી એક આકૃતિ ધીમે ધીમે પ્રગટ થઈ. તે સ્પષ્ટ નહોતી—ધુમ્મસ અને પ્રકાશનું મિશ્રણ હોય તેવી એ કાયા હતી. તે કોઈ જોગી હતો? કોઈ દેવદૂત? કે પછી મારો જ પડછાયો? તેની આંખોમાં બ્રહ્માંડ જેટલું ઊંડાણ હતું અને ચહેરા પર અનંતકાળની શાંતિ. તેણે મારી તરફ હાથ લંબાવ્યો. તેના હાથમાં એક કાળો પથ્થર ચમકતો હતો—જેમાંથી રાત્રિના તારાઓ જેવો પ્રકાશ નીકળતો હતો.
"હાર્દિક..."
અવાજ કાનેથી નહીં, પણ સીધો મારા આત્માના ઊંડાણમાં ઉતર્યો. જાણે સદીઓથી કોઈ આ એક જ પળની, આ એક જ મુલાકાતની રાહ જોઈ રહ્યું હોય. અવાજમાં આદેશ નહોતો, પણ એક પરમ સ્નેહ હતો, એક પુકાર હતો.
"હજુ કેટલો સમય વેડફીશ?.....
મારે જવાબ આપવો હતો. મારે કહેવું હતું કે 'હું આવવા માંગુ છું, મને રસ્તો નથી મળતો, હું સંસારી છું.' પણ હું હલી ન શક્યો. મારું શરીર જડ થઈ ગયું હતું. એ આકૃતિ મારી વધુ નજીક આવી. હવે મને તેની ગરમી મહેસૂસ થતી હતી. એક તીવ્ર સુગંધ—કપૂર, ભસ્મ, અને જંગલી ફૂલોની મિશ્રિત સુગંધ—મારા શ્વાસમાં ભરાઈ ગઈ. એ સુગંધ કોઈ પરફ્યુમની નહોતી, એ પવિત્રતાની સુગંધ હતી.
"આવ..." તેણે ફરી કહ્યું. તેણે પેલા ત્રિકોણ આકારના પર્વત તરફ આંગળી ચીંધી, જ્યાં બરફની સીડી બનેલી હતી.
"તારું સત્ય અહીં છે. આ શૂન્યમાં જ તારું સર્જન છે. અને પહેલું ડગલું માંડ. હું તારી રાહ જોઉં છું."
મેં હિંમત એકઠી કરી. મારા ધ્રૂજતા હાથને મેં ઊંચો કર્યો. મારી આંગળીઓ પેલી દિવ્ય આકૃતિને અડવા જ જતી હતી. મારે એ સત્યને પામી લેવું હતું. મારું આખું અસ્તિત્વ ખેંચાઈ રહ્યું હતું... બસ એક ઇંચનું છેટું હતું... મને લાગ્યું કે હું હવે આ બરફમાં ઓગળી જઈશ અને કાયમ માટે મુક્ત થઈ જઈશ.
ત્યાં જ... આકાશમાં એક પ્રચંડ ગર્જના થઈ અને જમીન ફાટી!
"ટ્રીન... ટ્રીન... ટ્રીન..."
એ કોઈ શંખનાદ નહોતો, એ કોઈ દિવ્ય ધ્વનિ નહોતો. એ એક તીણા, કર્કશ અને કાનમાં વાગે તેવા ઈલેક્ટ્રોનિક અવાજે મારા સ્વપ્નનો કાચ ટુકડે-ટુકડા કરી નાખ્યો.
હું ઝબકીને ખુરશીમાં જ ઉછળ્યો. મારા ખોળામાં પડેલું ભારેખમ પુસ્તક 'ધબ' દઈને નીચે ફર્શ પર પટકાયું. જાણે વાસ્તવિકતાએ સપનાને લાત મારીને નીચે પાડી દીધું હોય.
હું હાંફતો હતો. મારું આખું શરીર પરસેવે રેબઝેબ હતું. મારા રૂમનું એસી ૧૮ પર હતું અને છતનો પંખો ફૂલ સ્પીડમાં ફરતો હતો, છતાં મને ભઠ્ઠી જેવી ગરમી લાગતી હતી. મારી છાતીમાં હૃદય એટલા જોરથી ધડકતું હતું જાણે હમણાં પાંસળીઓ તોડીને બહાર આવી જશે. મારી આંખો સામે હજુ પણ પેલો કાળો પર્વત, પેલું નીલરંગી સરોવર અને પેલી રહસ્યમય આંખો તરવરતી હતી.
ટેબલ પર પડેલો મારો ફોન સતત વાગી રહ્યો હતો. બારીમાંથી રવિવારનો પીળો, આકરો તડકો સીધો મારા મોઢા પર આવતો હતો, જે મને અત્યારે કોઈ શત્રુ જેવો લાગતો હતો. મેં ધ્રૂજતા હાથે, આંખો ચોળતા ફોન ઉપાડ્યો. સ્ક્રીન પર 'ભાવિક' નામ ઝબકતું હતું.
"હલો?" મારો અવાજ કોઈ ઊંડી, અવાવરુ ગુફામાંથી આવતો હોય તેવો ઘોઘરો, ભારે અને સાવ સૂકો હતો.
"અલા કુંભકર્ણ! ક્યાં છે તું?" સામે છેડેથી ભાવિકનો હંમેશ મુજબનો, ઊર્જાથી ફાટફાટ થતો અને ઘોંઘાટિયો અવાજ આવ્યો. તેની પાછળ ટ્રાફિક અને વાસણો ખખડવાનો અવાજ આવતો હતો. "સવારના નવ વાગી ગયા. તને ભાન છે? અમે લોકો ક્યારના 'જાની' પર પહોંચી ગયા છીએ. ગરમ ગાંઠિયાનો ઘાણ ઉતરી ગયો છે અને તું હજુ પથારીમાં છે? જલ્દી આવ, નહીંતર બધું પૂરું થઈ જશે!"
હું ક્ષણભર ચૂપ રહ્યો. ફોન કાન પર હતો પણ મારું મગજ કામ કરતું નહોતું. હું સમજવાની કોશિશ કરતો હતો કે સાચું શું છે? પેલો બરફીલો પહાડ જે હજુ મારા શ્વાસમાં અને લોહીમાં વહી રહ્યો હતો, કે આ ફોન પર સંભળાતી ગાંઠિયા અને જલેબીની વાત? આ બે દુનિયા વચ્ચેનું અંતર હું માપી શકતો નહોતો. એક બાજુ અનંત શાંતિ હતી, અને બીજી બાજુ ક્ષણિક સ્વાદનો કોલાહલ.
"હાં... આવું છું," મેં ટૂંકો જવાબ આપીને ફોન કાપી નાખ્યો. ફોન ટેબલ પર મૂક્યો ત્યારે મારા હાથ હજુ ધ્રૂજતા હતા.
હું ઊભો થયો. પગ થોડા લથડાયા, જાણે ગુરુત્વાકર્ષણ બળ ઓછું થઈ ગયું હોય. બાથરૂમમાં જઈને અરીસામાં મારું પ્રતિબિંબ જોયું. મારી આંખો લાલ હતી, પણ તેમાં એક નવી ચમક હતી—એક એવી ચમક જે ડર, આશ્ચર્ય અને એક વિચિત્ર પ્રકારની ઉત્તેજનાનું મિશ્રણ હતી. ઉતાવળે બ્રશ કર્યું, મોઢા પર ઠંડુ પાણી છાંટ્યું પણ પેલી સપનામાં આવેલી કપૂર અને ભસ્મની સુગંધ જાણે હજુ મારી આસપાસ, મારા રૂમમાં મંડરાતી હતી. મેં ઊંડો શ્વાસ લીધો—શું એ સુગંધ સાચી હતી? કે મનનો વહેમ?
યાંત્રિક રીતે, કોઈ પ્રોગામ કરેલા રોબોટની જેમ મેં જીન્સ અને ટી-શર્ટ પહેર્યા. ગાડીની ચાવી લીધી અને ઘરની બહાર નીકળ્યો. લિફ્ટમાં નીચે ઉતરતી વખતે મને થયું કે હું નીચે નથી જઈ રહ્યો, હું પાછો એ જ માયાજાળમાં જઈ રહ્યો છું જ્યાંથી મારે મુક્ત થવું છે.
રવિવારની સવાર હોવાથી સુરતના રસ્તાઓ પર ટ્રાફિક ઓછો હતો, પણ મારું મન વિચારોના ટ્રાફિકમાં બરાબરનું અટવાયેલું હતું. રસ્તા પર ઠેર ઠેર ફરસાણની દુકાનો પર ભીડ હતી. લોકો હસતા હતા, વાતો કરતા હતા, પ્લાસ્ટિકની થેલીઓમાં ગરમ નાસ્તો લઈ જતા હતા. મને થયું, આ લોકો કેટલા ખુશ છે! શું તેમને ક્યારેય પ્રશ્ન નથી થતો કે તેઓ ક્યાંથી આવ્યા? શું તેમનું જીવન માત્ર રવિવારની રજા પૂરતું જ સીમિત છે?
હું ડુમ્મસ રોડ પર પહોંચ્યો ત્યારે મયંક, મિતેશ અને ભાવિક એક સફેદ ક્રેટા કારના બોનેટ પર છાપાં પાથરીને, તેના પર ડિશો મૂકીને જામ્યા હતા. હાસ્ય, મજાક, ગાળો અને ખાવાની ધૂમ મચી હતી. આ મારું ગ્રુપ હતું, મારા બાળપણના મિત્રો. પણ આજે હું તેમની વચ્ચે કોઈ પરગ્રહવાસી જેવો અજાણ્યો લાગતો હતો.
"આવ ભાઈ આવ, પધારો!" મિતેશે મને જોતા જ મોટા અવાજે બૂમ પાડી, તેના હાથમાં મોટો, પીળો ફાફડો હતો. "લે, આ પપૈયાનો સંભારો ખા, એટલે રાતની ઊંઘ ઉડે અને મગજ ઠેકાણે આવે."
ભાવિકે મારી પીઠ પર જોરથી ધબ્બો માર્યો. "ક્યાં ખોવાયેલો છે યાર? તારા વગર તો અમારી પાર્ટી અધૂરી લાગે. જો, સ્પેશિયલ તેલ વગરના મરી વાળા ગાંઠિયા છે."
હું તેમની વચ્ચે જઈને ઊભો રહ્યો. મારા હાથમાં પ્લાસ્ટિકની ડિશ પકડાવી દેવામાં આવી. તેમાં ગરમાગરમ ગાંઠિયા, જલેબી, કઢી અને પપૈયાનો સંભારો હતો. તેમાંથી વરાળ નીકળતી હતી અને હિંગની તીવ્ર સુગંધ આવતી હતી. પણ મારું મન ત્યાં નહોતું. મારી આસપાસનો આ કોલાહલ, આ ચટાકેદાર સુગંધ, આ વર્ષો જૂના મિત્રો... બધું નક્કર હતું, સાચું હતું, છતાં મને બધું જ મિથ્યા, એક ભ્રમ જેવું લાગતું હતું. મારા કાનમાં હજુ પણ પેલા બરફીલા પવનનો સુસવાટો અને પેલા અજાણ્યા સાદનો પડઘો ગુંજતો હતો "આ માટીના રમકડાંમાં હજુ કેટલો સમય વેડફીશ?"
મેં એક ગાંઠિયો ઉપાડ્યો. મારી આંગળીઓ તેને સ્પર્શી. તે ગરમ હતો, તૈલી હતો. મેં તેને ધીમેથી મોઢામાં મૂક્યો અને જેવો એ ગરમાગરમ, પોચો, મરી અને હિંગની સોડમવાળો ગાંઠિયો મારી જીભ પર મુકાયો, કે તરત જ કોઈ જાદુ થયો. મારા મગજની નસોમાં ડોપામાઈનનો વિસ્ફોટ થયો. તેલ, ચણાનો લોટ અને અજમાનો એ પરિચિત અને અત્યંત પ્રિય સુરતી સ્વાદ મારા આખા અસ્તિત્વમાં વીજળીની જેમ પ્રસરી ગયો. મોઢામાં પાણી છૂટી ગયું. મારા મગજમાં ચાલતો કૈલાશનો પવન અચાનક બંધ થઈ ગયો.
"હાશ..." મારા મોઢામાંથી અજાણતા જ એક સંતોષનો ઉદ્ગાર નીકળી ગયો.
પેલો પપૈયાનો સંભારો અને કઢીની તીખાશ... અદભુત! ક્ષણભર માટે પેલો બરફ, પેલો પહાડ, પેલો ડર, પેલું અસ્તિત્વનું સંકટ—બધું ભુલાઈ ગયું. હું ત્યાં જ હતો, સુરતના ફૂટપાથ પર, અને મને મજા આવી રહી હતી. જીભ જીતી ગઈ હતી, આત્મા હારી ગયો હતો. મેં બીજો ગાંઠિયો ઝડપથી મોઢામાં મૂક્યો, પછી ત્રીજો. જાણે હું કેટલાય દિવસનો ભૂખ્યો હોઉં.
ભાવિક મને આ રીતે ખાતો જોઈને ખડખડાટ હસ્યો, "જોયું? મેં નહોતું કીધું? આ સુરતી ગાંઠિયામાં દુનિયાની શ્રેષ્ઠ એન્ટી-ડિપ્રેશન દવા મિક્સ કરેલી છે! હવે આવ્યો ને તું લાઈન પર! કૈલાશ-બૈલાશ બધું ભ્રમ છે, સત્ય તો આ તેલ અને લોટમાં છે!"
મયંક અને મિતેશ પણ હસી પડ્યા. હું પણ તેમના હાસ્યમાં જોડાયો. પણ મારું હાસ્ય થોડું કૃત્રિમ હતું, પ્લાસ્ટિક જેવું.
ત્યાં જ... ચાવતા ચાવતા હું અટકી ગયો. ગાંઠિયાનો ટુકડો ગળામાં અટકી ગયો હોય તેમ લાગ્યું.
મને અચાનક એક ભયાનક વિચાર આવ્યો: શું આ જ માયાજાળ છે?
આ સ્વાદ, આ સુખ, આ ક્ષણિક આનંદ—શું આ એ જ સોનેરી સાંકળો છે જે મને અને મારા જેવા લાખો લોકોને આ સંસાર સાથે બાંધી રાખે છે? મારું શરીર આ સ્વાદ માણી રહ્યું હતું, લાળ ટપકતી હતી, પણ મારું મન કોઈ ત્રાહિત વ્યક્તિની જેમ સાક્ષીભાવે આ બધું જોઈ રહ્યું હતું. મને પહેલીવાર સમજાયું કે કૈલાશ જવું અઘરું કેમ છે. ત્યાંની માઈનસ ડિગ્રીની ઠંડી અઘરી નથી, પહાડ ચડવો અઘરો નથી... પણ આ 'સ્વાદ', આ 'સલામતી' અને આ 'મોજ' ની હુંફાળી તળેટી છોડવી સૌથી અઘરી છે. આપણે જેને જીવન કહીએ છીએ, તે ખરેખર તો આપણી ઇન્દ્રિયોની ગુલામી છે. જ્યાં સુધી જીભને સ્વાદ મળે છે, ત્યાં સુધી આત્માને અવાજ નથી મળતો.
મેં ચોથો ગાંઠિયો હાથમાં લીધો. તેને ધારથી જોયો. તે સૂર્યના તડકામાં સોનેરી લાગતો હતો. આ માત્ર લોટનો ટુકડો નથી, આ એક બેડી છે. સોનેરી, સુગંધીદાર અને સ્વાદિષ્ટ બેડી.
"શું થયું? કેમ અટકી ગયો?" મયંકે મને ગંભીર થયેલો જોઈ પૂછ્યું. "ટેસ્ટ બરાબર નથી? કે ખરાબ થઈ ગયા છે?"
"ના," મેં ગાંઠિયો મોઢામાં મૂકતા કહ્યું, પણ હવે મારા અવાજમાં એક અલગ પ્રકારની મક્કમતા અને ઉદાસી હતી. "બહુ સરસ છે. અદભુત છે. કદાચ... કદાચ છેલ્લી વાર આટલા સ્વાદથી ખાઈ રહ્યો છું."
"શું બબડે છે?" મિતેશ ચીડાયો. "ફરી ચાલુ કર્યું? અલા મર ને હવે, શાંતિથી ખા ને. રવિવાર બગાડ મા."
"કઈં નહીં," મેં વાત વાળી લીધી. "બસ જલસા કરો."
મેં પેટ ભરીને ખાધું. સ્વાદ માણ્યો. એક એક કોળિયો મેં જાણી જોઈને ધીમે ધીમે ખાધો, કારણ કે મારું અંતરમન જાણતું હતું કે હવે પછીની મારી ભૂખ આ અનાજથી ભાંગવાની નહોતી. શરીર તૃપ્ત થયું હતું, પેટ ભરાઈ ગયું હતું, પણ આત્માની ભૂખ હજુ પણ અકબંધ હતી—બલ્કે, આ ક્ષણિક ભૌતિક સુખે એ આધ્યાત્મિક ભૂખને વધુ ઉઘાડી અને તીવ્ર કરી દીધી હતી.
પાર્ટી પૂરી થઈ. બધા છૂટા પડતા હતા. એટલામાં ભાવિકે પૂછ્યું, " શું ભાઈ લોગ ઘરે જઈને શું પ્લાન છે ?"
"આજે તો રવિવાર છે, એટલે સૂવાનું હો ભાઈ." મેં કહ્યું.
" હા કુંભકર્ણ તું સૂઈ જા જા પણ રાત્રે મૂવી જોવા જવાનું છે એટલે જાગી જાજે. નહીં તો અમારે ઘરે આવવું પડશે." મિતેશ બોલ્યો.
" હા ભાઈ, પણ સંભાળ મને કોલ કરજે અને 7 વાગ્યે જગાડી દેજે." મિતેશને મેં વળતો જવાબ અને જવાબદારી સોંપી.
"સારું પાકું!" ભાવિકે ફોન કાઢ્યો. "રાત્રે ૯ થી ૧૨ નો નાઈટ શો બુક કરી દઉં છું.
સાઉથની નવી મૂવી છે. ઘરે જઈને સૂઈ જા, સીધા થિયેટર પર મળીએ."
મેં સંમતિ આપી અને ઘર તરફ ગાડી મારી.
ઘરે પહોંચીને હું સીધો મારા રૂમમાં ગયો. પડદા પાડી દીધા. એસી ચાલુ કર્યું અને પથારીમાં આડો પડ્યો. શરીર ગાદલામાં ખૂંપી ગયું. થાક એટલો હતો કે મને કોઈ સપનું ન આવ્યું. ન પેલો પહાડ દેખાયો, ન પેલો જોગી. બસ, એક ગાઢ, કાળી અને ઈન્દ્રિયરહિત ઊંઘ. જાણે મારું શરીર થોડા કલાકો માટે મૃત્યુનું રિહર્સલ કરી રહ્યું હોય.
જ્યારે આંખ ખૂલી ત્યારે સાંજ પડી ગઈ હતી. રૂમમાં ઘોર અંધારું હતું. હું બે ઘડી પથારીમાં બેઠો રહ્યો, એ સમજવા માટે કે હું ક્યાં છું? શું હું કૈલાશની તળેટીમાં છું કે સુરતના મારા ફ્લેટમાં? મોબાઈલ જોયો—આઠ વાગ્યા હતા.મિતેશ અને ભાવિકના 5 – 7 મિસ કોલ હતા ભાવિકનો મેસેજ હતો: "નીકળજે, અમે પહોંચીએ છીએ."
મને જરા પણ ઈચ્છા નહોતી, પણ વચન હતું એટલે તૈયાર થઈને હું થિયેટર પહોંચ્યો. મિત્રો સાથે અંદર ગયો. હોલ ખચોખચ ભરેલો હતો. મૂવી શરૂ થયું. મોટા અવાજે ગીતો, ફાઈટિંગ, ડાયલોગબાજી. આખું થિયેટર સીટીઓ મારતું હતું, પણ હું ખુરશીમાં સંકોચાઈને બેઠો હતો. મને થયું—આ સામે દેખાય છે તે પણ એક પ્રોજેક્ટરનો જ ખેલ છે ને? પ્રકાશ અને પડછાયાની રમત. મારું જીવન પણ આવું જ નથી? આ મિત્રો, આ નોકરી, આ ઘર—બધું પ્રોજેક્ટર ચાલુ છે ત્યાં સુધી જ છે. જેવી મારા શ્વાસની સ્વીચ બંધ થશે, બધું સફેદ પડદા જેવું કોરું થઈ જશે.
ઇન્ટરવલમાં અમે બહાર આવ્યા. મિત્રો મૂવીના વખાણ કરતા હતા.
"જોયું પેલું સીન? શું માર્યો છે યાર!" મયંક ઉત્સાહમાં હતો.
હું માત્ર ફિક્કું હસ્યો. મને તેમના ઉત્સાહની ઈર્ષ્યા આવતી હતી અને દયા પણ. તેઓ આ ભ્રમણામાં કેટલા સુખી હતા!
મૂવી પૂરું થયું ત્યારે રાતના બાર વાગવા આવ્યા હતા. થિયેટરના એસીમાંથી બહાર નીકળતાની સાથે જ સુરતની રાતનો ભેજવાળો પવન ચહેરા પર અથડાયો.
"ચલો, હવે ક્યાં?" ભાવિકે ગાડીની ચાવી ફેરવતા પૂછ્યું.
"ઘરે જઈએ?" મેં ધીમેથી કહ્યું.
"અલા ગાંડો થયો છે?" મિતેશ તરત તાડુક્યો. "આટલી સારી પિક્ચર જોઈ, હવે પેટમાં કઈંક નાખવું તો પડશે ને! ભૂખથી આંતરડા રડે છે.
"અલા ભાઈ, તું રહેવા દે!. "હજુ તો રાત જવાન થઈ છે. અને આવી મસ્ત ઠંડી હવા હોય ત્યારે સીધા ઘરે જવાય? ચાલ, ડુમ્મસ રોડ પર જઈએ. ગરમાગરમ ઉંબાડિયું ખાવાનો મૂડ છે."
હું ના ન પાડી શક્યો. સુરતના આ સ્વાદ સામે મારું શું ગજું? અને હા, પેલા 'ભાણું' ના ખમણ પણ લેતા જઈશું, એના વગર તો જીવ નઈ ચાલે." મેં કહ્યું
અમે હાઈવે પરના એક ખુલ્લા ફાર્મ જેવી જગ્યાએ પહોંચ્યા. ત્યાં લાકડાના ખાટલા ઢાળેલા હતા. વાતાવરણમાં બળતા લાકડાનો ધુમાડો અને ઉંબાડિયાની તીવ્ર સુગંધ ભળેલી હતી. એક બાજુ જમીનમાંથી કાઢેલા કાળા માટલામાંથી ગરમાગરમ ઉંબાડિયું નીકળતું હતું.અમારી સામે પતરાળાં મુકાયા. તેમાં વરાળ નીકળતું, કલરના પાંદડામાં બફાયેલું ઉંબાડિયું—રતાળુ, શક્કરિયા, પાપડી અને વાલોળ—પીરસાયું. સાથે ભાનુના પોચા રૂ જેવા ખમણ, જેના પર લીલી ચટણી અને તેલ રેડાયેલું હતું.
"તૂટી પડો!" મયંકે બૂમ પાડી.
મિત્રોએ ખાવાનું શરૂ કર્યું. મેં ઉંબાડિયાનું એક રતાળુ મોઢામાં મૂક્યું. તે ગરમ હતું, ધુમાડાની સોડમ વાળું હતું અને જીભ પર મૂકતા જ ઓગળી ગયું. પછી મેં ખમણનો ટુકડો ચટણી સાથે ખાધો. તીખાશ અને ખટાશનું એ જાદુઈ મિશ્રણ! સવારે ગાંઠિયાએ જે કામ કર્યું હતું, તે જ કામ અત્યારે આ દેશી સ્વાદ કરી રહ્યો હતો.
ભાવિક અને મિતેશ તો આંગળા ચાટી ચાટીને ખાતા હતા. "આને કહેવાય જલસો!" ભાવિક બોલ્યો. "માટલામાં બફાયેલા શાકનો સ્વાદ જ અલગ છે હોં ભાઈ!"
મને અચાનક વિચાર આવ્યો—માટલું?
આપણે પણ આ શાકભાજી જેવા જ નથી? એક મોટા માટલામાં (આ સંસારમાં) પુરાયેલા છીએ, જ્યાં લાગણીઓની આગ નીચે આપણને ધીમે ધીમે બાફવામાં આવે છે? ઉંબાડિયાના શાકને ખબર નથી હોતી કે તે બફાઈ રહ્યું છે, તેને તો એમ જ હોય છે કે તે સુરક્ષિત છે. હું પણ અત્યાર સુધી એવો જ હતો ને? આ સ્વાદ, આ સુખ, આ મિત્રો—બધું મને બાફી રહ્યું હતું.
મારું પેટ ભરાઈ ગયું હતું, પણ ગળામાં ડૂમો ભરાઈ ગયો. આ 'ભાણુંના ખમણ' અને 'ઉંબાડિયું' શરીરને જલસો કરાવતા હતા, પણ આત્માને ગૂંગળાવી રહ્યા હતા.
"બસ ભાઈ, મારું પત્યું," મેં હાથ લૂછતા કહ્યું.
"કેમ? હજુ તો પાર્ટી બાકી છે!" મિતેશે કહ્યું.
"ના, બસ હવે પેટમાં જગ્યા નથી," મેં કહ્યું. હકીકતમાં, હવે મને આ માટલામાંથી બહાર નીકળવું હતું.
જમીને અમે છાસ પીધી. છેલ્લી વાર મિત્રોને ગળે મળ્યો.
"કાલે મળીએ " મયંકે કહ્યું.
"હા, મળીએ," મેં જવાબ આપ્યો.
ગાડી સ્ટાર્ટ કરી. રાતના દોઢ વાગી ગયા હતા. રસ્તાઓ હવે ખરેખર શાંત હતા. હું ઘરે પહોંચ્યો. પાર્કિંગમાં ગાડી મૂકી, લિફ્ટ પકડી અને મારા ફ્લેટમાં આવ્યો.
ડ્રોઈંગ રૂમમાં ટીવી ચાલુ હતું, કદાચ પપ્પા જોતા જોતા સોફા પર જ સૂઈ ગયા હતા. મેં અવાજ કર્યા વગર ટીવી બંધ કર્યું, તેમના પર ચાદર સરખી કરી તેમના ચહેરા ઉપર કરચલીઓ હતી—આખી જિંદગીની દોડધામનો થાક હતો. હું બે ક્ષણ તેમને જોઈ રહ્યો. મનમાં ને મનમાં માફી માંગી લીધી. હું મારા રૂમમાં ગયો અને દરવાજો અંદરથી લોક કરી દીધો. મારે હવે બહારના કોઈ અવાજની જરૂર નહોતી. સામે હેંગર પર મારું સ્કૂલનું સફેદ શર્ટ લટકતું હતું, જે હવે મને માત્ર એક 'વેશ' લાગતું હતું.
હું ખુરશીમાં પાછળ ટેકવાયો અને આંખો બંધ કરી. અચાનક, ઓરડાની હવા જાણે સ્થિર થઈ ગઈ. એક અદ્રશ્ય, શીતળ લહેરખી મારા ચહેરાને સ્પર્શી ગઈ—જાણે કોઈએ હિમાલયનું બારણું ખોલી નાખ્યું હોય.મારા મનની અંદર ચાલતો વિચારોનો સતત ઘોંઘાટ એકાએક શાંત થઈ ગયો. એ શાંતિમાં મને એક અહેસાસ થયો—જે ભય કે ગભરાટનો નહોતો, પણ એક 'ચુંબકીય ખેંચાણ' નો હતો. જેમ હોકાયંત્રની સોય ગમે ત્યાં ફેરવો, તે છેવટે તો ઉત્તર દિશામાં જ સ્થિર થાય, તેમ મારું મન, મારા વિચારો, મારી ચેતના... બધું જ આપમેળે એક જ દિશામાં ખેંચાઈ રહ્યું હતું. ઉત્તર તરફ.
મેં આંખો ખોલી અને સામેની દીવાલ પર જોયું. મને સ્પષ્ટ દેખાતું હતું કે હું અહીં ખુરશીમાં બેઠો છું એ તો માત્ર મારું ખોળિયું છે. મારો જીવ, મારો પ્રાણ તો ક્યારનોય અહીંથી નીકળીને ત્યાં... એ કાળા પથ્થરની તળેટીમાં પહોંચી ગયો છે. પરંતુ કાલે સવારે સ્કૂલ પર જવાનું છે તે વિચાર સાથેશાંતિથી લાઈટ બંધ કરી અને પથારીમાં લંબાવ્યું. શરીર ગાદલામાં ખૂંપી ગયું, ઉંબાડિયા અને ખમણનો ભારેખમ સ્વાદ હજુ પણ ગળામાં વર્તાતો હતો, પણ મન તો ક્યારનુંય આ ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત થઈને હવામાં તરવા લાગ્યું હતું.
મેં આંખો બંધ કરી, પણ અંધકારમાં મને ઊંઘને બદલે આવતીકાલનો નકશો દેખાતો હતો. મોબાઈલમાં સવારના ૬:૦૦ વાગ્યાનો આલાર્મ સેટ હતો. કાલે સવારે ફરી એ જ દિનચર્યા શરૂ થવાની હતી—બ્રશ કરવું, નાહવું, સફેદ શર્ટ અને બ્લુ પેન્ટનો યુનિફોર્મ પહેરવો, અને સમયસર સ્કૂલે પહોંચીને હાજરી પૂરવી. દુનિયા માટે આવતીકાલે સામાન્ય સોમવાર ઊગવાનો હતો, પણ મારા માટે?
મારા ઓશિકા નીચે દબાયેલા પેલા પુસ્તકમાંથી જાણે કોઈ તરંગો નીકળીને મારા મગજને શાંત કરી રહ્યા હતા. બહાર સુરત શહેર હવે ઘસઘસાટ ઊંઘતું હતું, પણ મારી અંદર એક જ્વાળામુખી જાગી રહ્યો હતો. મને ખબર હતી કે કાલે મારે સ્કૂલના ગેટમાં પ્રવેશવાનું છે, ચોક હાથમાં લેવાનો છે અને બોર્ડ પર લખવાનું છે... પણ શું એ ક્લાસરૂમની ચાર દીવાલો મને હવે રોકી શકશે ખરી?
હું પડખું ફરીને સૂતો, અને એક અંતિમ વિચાર સાથે મારી આંખો મીંચાઈ ગઈ:
"શું આવતીકાલનો સૂરજ મારા માટે માત્ર સ્કૂલનો નવો દિવસ લઈને આવશે, કે પછી મારી જૂની જિંદગીની જેમ જે પૂરો થશે ?"
(ક્રમશ:)