કૈલાસના રહસ્ય : એક રોમાંચક સફર
ખંડ – ૧
પ્રકરણ ૯ – સંકલ્પની સફર
સવારે સાડા આઠ વાગ્યે વનિતાએ મને જગાડ્યો.મણિકર્ણિકા ઘાટ પરની રાત માત્ર પૂરી નહોતી થઈ, તે અમારા અસ્તિત્વમાં ઊતરી ગઈ હતી. અઘોરીના આશીર્વાદ, મૃતદેહોના ધુમાડા અને અગ્નિની પ્રચંડતાએ મારા મનમાંથી ડરને બાળી નાખ્યો હતો. હવે કોઈ ગભરાટ નહોતો. માત્ર એક અજીબ, અકલ્પનીય શાંતિ હતી, જે કદાચ પેલા મહાસ્મશાનની ભસ્મમાંથી આવી હતી; જાણે મૃત્યુની નજીક જવાથી જીવનની કિંમત સમજાય હોય. આ શાંતિ, સ્મશાનમાં વપરાયેલા છાણાંની ધીમી આગની જેમ, ધીરે ધીરે મારા નસ-નસમાં ફેલાઈ રહી હતી.
રૂમની બારીમાંથી ગંગાના કાંઠાની સવારનો સોનેરી તડકો અંદર આવતો હતો. વનિતા, જેણે ગઈકાલે આખી રાત અંદરથી હીબકાં ભર્યા હતા, તેના ચહેરા પર હવે રડમસ ભાવ નહીં, પણ એક મક્કમ નિર્ધાર હતો. તેની આંખો સૂઝી ગયેલી હતી, પરંતુ તેમાં હિમાલયની પર્વતમાળાઓ જેવી અડગતા દેખાતી હતી. અમે બંને એકબીજાને જોયા વિના સમજી ગયા હતા કે હવે પાછું વળવું શક્ય નથી. અમે માત્ર બે પ્રવાસી નહીં, પણ એક ભયાનક રહસ્યના ભાગીદાર બની ગયા હતા.
સૌથી પહેલાંનું કામ જરૂરી હતું – સુરક્ષા. મેં નિકોલાઈની જર્જરિત રશિયન ડાયરીને પછી કાઢી જોઈ અને બે જૂના ટુવાલ અને એક શર્ટમાં વીંટાળી. ધીમેથી, તેને બેગના તળિયે સંતાડી દીધી, જ્યાં કોઈની નજર સહેલાઈથી ન પડે. આ ડાયરી હવે માત્ર માહિતીનો સ્રોત નહોતી; તે એક બોમ્બ જેવી હતી જે અમે ક્યાંક છુપાવ્યો હતો. આ ડાયરી મારા જીવન અને વનિતાના ભવિષ્યની જવાબદારી બની ગઈ હતી. તેને પકડવાનો અર્થ હતો, અજાણ્યા દુશ્મનોને સીધું આમંત્રણ આપવું.
અમરા માટે પ્રવાસનો સૌથી મુશ્કેલ તબક્કો શરૂ થયો: દુનિયા સાથેનો સંપર્ક કાપવો.
મોબાઈલ હાથમાં લીધો, જાણે હાથમાં કોઈ ભારે પથ્થર હોય. સૌથી પહેલાં મમ્મી-પપ્પાને કોલ કર્યો. મારા અવાજમાં મેં મહાસ્મશાનની શાંતિનો અંશ ઉમેર્યો. મમ્મીએ ચિંતાથી સવાલોનો મારો ચલાવ્યો, અને મારે જૂઠનો મજબૂત પાયો નાખવો પડ્યો.
"મમ્મી, ચિંતા ન કર," મેં શાંતિથી કહ્યું. "ગંગાસ્નાન અને પેલા વૈદ્યજીના આશીર્વાદથી કમરનો દુખાવો ઘણો ઓછો થઈ ગયો છે. તેમણે કહ્યું કે હવે અંતિમ ઉપચાર માટે હિમાલયની અંદરના પહાડી હિસ્સામાં જવું પડશે. થોડા દિવસ કદાચ મોબાઈલનું નેટવર્ક નહીં મળે, પણ હું પહોંચીને તરત કોલ કરીશ."
વનિતાએ તરત જ ફોન પોતાના હાથમાં લઈ લીધો. તેણે માતાને એક પુત્રીની જેમ મમતાભરી વાતો કરીને તેમની બધી શંકાઓ દૂર કરી દીધી. "મમ્મી, તમે ચિંતા ન કરો. હું એનું ધ્યાન રાખીશ. ઉપચાર જરૂરી છે, અને ડોક્ટરે પહાડોની હવા લેવાનું કહ્યું છે," વનિતાના અવાજમાં એવી નિખાલસતા હતી કે મારા માતા-પિતાને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ. આ જૂઠ બોલવું અમારા માટે જરૂરી હતું, જેથી પાછળથી કોઈ અમારી શોધખોળ ન કરે.
એ પછી, મારે મારા ખાસ મિત્ર ભાવિકને કોલ કર્યો અને બધું બરાબર છે તેવા સમાચાર આપવા માટે.
"વાહ ખુબ આનંદ થયો, કેટલા દિવસથી તારી યાદ આવતી હતી શરૂ થયુંતે કોલ કર્યો નહીંતો આજે રાત્રે અમારા પહાડ ખોજી ને કોલ કરવાના જ હતા." ભાવિકનો ઉત્સાહ અને ચિંતા તેના શબ્દોમાં દેખાતા હતા.
વનિતા મારા તરફ અજીબ રીતે સામું જોતી હતી. લગ્ન પેહલા એ કહેતી "આ સૌતન થાળે પડે તો સારું!" તેની આંખો જોઈ મેં વાત ટૂંકાવી.
"ચાલ હવે તું કામ કર નહીં તો તારો બોસ પાછો તને ગાળો આપશે અને હાં તમારા બધા વતી અમે અહીં દર્શન અને આરતી કરી છે ને ફોટા પણ જો ગ્રુપમાં મોકલ્યા છે."
"સારું મારી જાન, સંભાળજે અને જલ્દી સાજો થઈને આવ આ લોચો, ઉંબાડિયું અને ભાણુંના ખમણ તારી વાતો વગર ગળે જ નથી ઊતરતા."
હવે મને પેટમાં નોહતું દુઃખતું , આ જૂઠ હવે મને કષ્ટ નહોતું આપતું, પણ તે મારી નવી વાસ્તવિકતા હતી. તે વનિતા સાથેના મારા અસલી ધ્યેય માટેનું સુરક્ષા કવચ હતું. અમે ગુમ થઈ રહ્યા હતા, અને દુનિયાને એ જ જાણવું જરૂરી હતું કે અમે સ્વૈચ્છિક રીતે કોઈ ઉપચાર પ્રવાસ પર ગયા છીએ.
અમે અમારો નાસ્તો કર્યો. ચા પીધી અને છેલ્લા પેકિંગની તપાસ કરી. વનિતાએ તેના હાથમાં રહેલા ’રુદ્રાક્ષ માળા' ને ચુમ્બન કર્યું અને બેગમાં મૂક્યું.
"ચાલો," તેણે હળવાશથી કહ્યું.
સવારે સાડા નવ જેવો સમય થયો હતો. અમે હોટલના રિસેપ્શન પર જઈને ચેક-આઉટ કર્યું. બિલ ચૂકવ્યું, એક છેલ્લી વખત વિશ્વનાથના અને છેલ્લી વખત કાશીની ભૂમિને મનમાં નમન કર્યું, અને રિક્ષા લઈને બસ સ્ટેન્ડ તરફ રવાના થયા. અમારું લક્ષ્ય ઉત્તર હતું – જ્યાં પર્વતોનું રહસ્ય અને નિકોલાઈની ડાયરીનો અંતિમ સંકેત અમારી રાહ જોઈ રહ્યો હતો.
અમે સીધા જ કેન્ટ બસ્ટેન્ડ પર ગયા ત્યાંથી અમે પશુપતિનાથના રસ્તે જવાં બસ પકડી. અમે હવે વારાણસીનું ઘાટ પરનું આધ્યાત્મિક ધુમ્મસ પાછળ છોડીને, અમે ગોરખપુર તરફ જતી ઉત્તર પ્રદેશના રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસમાં સવાર થયા. બસ જૂની, જર્જરિત અને અવાજવાળી હતી, જેમાં હિન્દી ફિલ્મોના ભક્તિમય ગીતો ઉગ્ર સ્વરે ગુંજતા હતા—જાણે કે ૯૦ના દાયકાની કોઈ ઊંચી ધૂન મોટા અવાજે વાગી રહી હોય. અંદરની બેઠકો પરનો રંગ વર્ષોની યાત્રાથી ભૂંસાઈ ગયો હતો, પ્લાસ્ટિક ઠેર ઠેરથી ફાટેલું હતું અને ગરમીની સાથે ભેજ પણ એટલો હતો કે હવા જાણે ગળચટ્ટી અને શ્વાસ લેવા માટે પણ ભારેખમ લાગતી હતી. બસના યંત્રનો કર્કશ અવાજ એટલો ઘોંઘાટવાળો હતો કે બહારના શાંત, વિરાટ મેદાનોથી તે તદ્દન વિપરીત લાગતો હતો.
"બાપ રે! આ શું છે?" વનિતાએ નાક પર રૂમાલ મૂક્યો અને અણગમા સાથે મારો હાથ ઝાલી લીધો. તેના વદન પર થાક અને થોડી હતાશા સ્પષ્ટ દેખાતી હતી. "આટલી ખરાબ બસ હશે એવું નહોતું વિચાર્યું. સાચું કહું તો, અત્યારે તો સુરતની એસી ટ્રેનની ઠંડક અને આરામ ખૂબ સાંભરે છે."
મેં હસીને તેના ખભા પર પ્રેમથી હાથ મૂકતા, તેને થોડી વધુ નજીક ખેંચી. "આને જ સાચો ભારત કહેવાય વનિતા. આપણે કૈલાશના માર્ગ પર છીએ, અને આ માર્ગના પાયામાં કઠોરતા છે. અહીંની ભૂગોળ કઠોર છે, તો વાહન વ્યવહાર પણ કઠોર હોય. અહીં એસી નહીં, પણ હૃદયમાં હિંમત જોઈએ, અને તારી હિંમત મારા માટે સૌથી મોટુ એસી છે."
ખરેખર, અહીંયાના દરેક મુસાફરની આંખોમાં એક પ્રકારની સહનશીલતા હતી. તેઓ ફાટેલી બેઠકો, મોટા અવાજે વાગતા ગીતો અને બારીમાંથી આવતી ધૂળથી પરેશાન હોય તેવું લાગતું નહોતું. તેમની શાંતિએ અમને પણ ધીમે ધીમે આ વાતાવરણ સ્વીકારવા મજબૂર કર્યા.અમારી આ યાત્રા લગભગ અઢાર કલાક લાંબી થવાની હતી, ગઈ કાલની ઘટનાથી અને રાત્રે સ્મશાનમાં થયેલ અનુભવથી ઊંઘ પૂરી થઈ નોહતી, શરીર થાકથી ચૂર થઈ ગયું હતું. ધૂળ અને ગરમી વચ્ચે કોઈક રીતે જગ્યા શોધીને, પહેલા વનિતાએ મારો ખભો ઉધાર લીધો. તેણે માથું ટેકવ્યું અને બસના ઘોંઘાટમાં પણ તરત જ ઊંઘી ગઈ. તેના વાળની સુગંધ મારા શ્વાસમાં ભળવા લાગી. આ ધૂળભરી અને ગરમ બસમાં, આટલી કઠોર યાત્રામાં, આ નાનકડી નિકટતા જ અમારો પ્રેમ હતો. બે કલાક પછી વનિતાનું માથું ધીમેથી ઊંચું થયું. મને સુવા માટે તેને આગ્રહ કર્યો.
હું ના પાડી શક્યો નહીં.થોડી વારમાં મને પણ ઊંઘ આવી. હું પણ આ નિદ્રાદેવીને વશ થયો પરંતુ આ વશીકરણ લાંબુ ચાલ્યું નહીં. એકબીજાની નિકટતામાં, બંનેના શરીર બસના આંચકા સાથે ઝોલાં ખાતા હતા. જોકે આ ઊંઘ અધૂરી, ગરમીવાળી અને ખંડિત હતી, પણ એકબીજાની હૂંફ અમારા કઠોર પ્રવાસનો ભાવનાત્મક સાર બની રહી.
મારી આંખો ખુલી ત્યાર વનિતા સૂતી હતી મારા ખભા પર તેનું માથું હતું. વાળની લટ મારા ચહેરા પર અપ્સરાની જેમ ઉછળકૂદ કરતી હતી. અને અમારી બસ ગંગાના વિશાળ મેદાનોમાં ધસમસતી હતી. ધીમે ધીમે સૂર્ય ઊંચો આવી રહ્યો હતો. બારીમાંથી આવતી ગરમ, લાલ ધૂળની એક આછી ચાદર અમારા શ્વાસમાં અને બેઠકો પર પથરાતી હતી. મારા કપડાં પર ધૂળનું એક પડ જામી ગયું હતું. મને થયું કે આ ધૂળ માત્ર ધરતીની જ નહીં, પણ આ પ્રદેશના શ્રમજીવી જીવનની મહેનતની પણ છે. દૂર ક્ષિતિજ પર લીલોતરીની સપાટતા આંખોને થકવી દેતી હતી, કારણ કે ઊંચા પહાડોની જેમ અહીં આરામ આપવા માટે કોઈ દ્રશ્યમાન સીમાચિહ્ન નહોતું.
મારા ચેહરા સામે ઉછળકૂદ કરતી અપ્સરાઓને શાંત કરી, મારા ખભા પર સૂતેલા નિર્દોષ બાળકના ચેહરા સામું જોઈ મારી નજર બારી બહાર ગઈ.
જો વનિતા જાગતી હોત તો મારે તેને કહેવું હતું."જો, કેવી કાળી અને સપાટ જમીન છે? આ જમીનમાં કોઈ ઊંચાઈ નથી, પણ ફળદ્રુપતાનું મહાસાગર છે. આ જ છે ગંગાના મેદાનની કાંપવાળી માટી, જેના પર આખો ઉત્તર પ્રદેશ ઊભો છે. ભૂગોળની દ્રષ્ટિએ, આ જમીન એટલી સમૃદ્ધ છે કે તેને સિંચનની જરૂરિયાત પણ અલ્પ રહે. અહીંના ખેતરો સપાટ છે, તેથી અહીં મુખ્યત્વે ઘઉં, જવ, મકાઈ, અને હવે શેરડીનો પાક પણ થાય છે. વનિતા, આ જમીનનું સત્ય છે—સપાટતા અને ફળદ્રુપતા. કઠોરતા અને સમૃદ્ધિનું મિશ્રણ. આ સત્ય, વનિતા, બસ આપણા જીવન અને સંબંધના મૂળ જેવું જ છે."
વનિતાના બે કલાકના નિદ્રાસન માંથી જાગી મારી સામું જોયું અને મારી જેમ એકવાર બહારના દ્રશ્યો પર નજર નાખી.
"આપણે ક્યાં પહોંચ્યા ?" તેનું વાક્તિર છૂટ્યું.
" ગંગાના મેદાનમાં." તેના વાક્તિર પર મેં પ્રહાર કર્યો.
મેં જોયું કે વનિતા બહારના વાતાવરણને ધ્યાનથી નિહાળી રહી હતી, તેના વદન પરનો અણગમો વિલય પામી રહ્યો હતો અને સહજ સ્વીકાર્યતા આવી રહી હતી. કદાચ આ જ અમારી યાત્રાનો હેતુ હતો - આરામ છોડીને વાસ્તવિકતા સ્વીકારવી.
બસમાં અન્ય મુસાફરોની વાતચીત ધ્યાન ખેંચતી હતી. અહીંના લોકોની બોલીમાં ભોજપુરી લહેકો હતો. તેઓ આરામથી પાન ચાવીને વાત કરતા હતા, જેના કારણે વાતાવરણમાં પાનના મસાલાની એક તીવ્ર પણ ઘેરી મધુરતા ભળી હતી. ક્યારેક ક્યારેક કોઈક મોટેથી હસી પડતું અને આખા વાતાવરણમાં ક્ષણિક હળવાશ છવાઈ જતી.
બપોરના સમયે, અચાનક યંત્ર બંધ થયું. બસ ઊભી રહેતા જ અમે બંને જાગી ગયા. ઢાબા પર બસ રોકાઈ હતી. ઢાબાનું નામ યાદવજીકા ઢાબા' હતું અને ત્યાં માલવાહક વાહનોનો મેળાવડો હતો. અમે નીચે ઉતર્યા, પગ સીધા કર્યા અને ગરમીમાંથી થોડી રાહત મેળવી. બહારની હવામાં ઢાબાની તંદૂર અને તેલની તીવ્ર ગંધ ભળી હતી.સૌ પ્રથમ અમે પાણી પીધું, અને પછી બંનેએ ચા મંગાવી. ગરમ ચાના ઘૂંટ સાથે થાક ઉતરતો અનુભવાયો.
વનિતા સત્વરે વ્યવહારુ બની ગઈ. "ચા પીવાઈ ગઈ, હવે નાસ્તો." તેણે થેલામાંથી સુરતી થેપલા કાઢ્યા.
મેં ઢાબાની અંદર જઈને એક થાળીમાં ગરમાગરમ સમોસા અને જલેબી લીધી. સ્થાનિક પૌષ્ટિક નાસ્તો!
વનિતા મારી પાસે આવી, થેપલાની નાનકડી પ્લેટ આપીને હસી.મેં પહેલા વનિતાને થેપલાનો એક ટુકડો ખવડાવ્યો, પછી સમોસાનો અડધો ભાગ તેના મોઢામાં મૂક્યો. વનિતાએ પણ બદલામાં મને થેપલુ અને જલેબીનો ટુકડો પ્રેમથી ખવડાવ્યો.
મેં તેનો હાથ પકડ્યો અને આંખોમાં જોયું. "વનિતા, તું જાણે છે? આ થેપલાની મીઠાશ, બહારની આ ધૂળ અને ગરમી પર વિજય મેળવવાની સુરતી કળા છે." મેં પ્રેમથી એક ટુકડો તેના મોઢામાં મૂક્યો. મારા શબ્દો પ્રેમ અને નિખાલસતાથી ભરેલા હતા. "તારા હાથના આ થેપલામાં, કૈલાસ પર્વતને એક શ્વાસે ચડી જવાની શક્તિ આપે છે. તું મારી હિંમત છે. આ સફર તારા વિના અધૂરો છે."
તેના ચહેરા પર એક મીઠું સ્મિત આવ્યું, અને તેણીએ ધીમેથી મારો હાથ દબાવ્યો, જેણે ઢાબાની ધૂળ અને ગરમીને પલભરમાં ભૂલાવી દીધી.
મુસાફરીનો થાક, બસની ધૂળ, ગીતોનો ઘોંઘાટ અને મેદાની ગરમી—આ બધું જ, આપણી આ ચાની ચુસ્કીઓ, થેપલા અને એકબીજાને જમાડવાની નિખાલસ પ્રેમની પળ સામે વિસરાઈ ગયું. આ જ કદાચ કૈલાશ યાત્રાની શરૂઆત હતી. કઠોર વાસ્તવિકતામાં એકબીજાનો આધાર બની રહેવું. આ જ તો સાચું તીર્થ છે.અમારી બસ ફરી આગળ વધી હવે આંખોમાં ઊંઘ નોહતી પણ મુસાફરીનો થાક હજી પણ હતો.
***
સાંજે સાડાચાર વાગ્યા હતા અમે ગોરખપુર પહોંચ્યા.ગોરખપુરના બસ સ્ટેશનની ઉતાવળ અને ગરમીને પાછળ છોડીને, અમે માંડ માંડ એક લોકલ બસમાં જગ્યા મેળવી હતી. તે બસ, ધૂળના વાદળો ઉડાડતી અને ચીસો પાડતી, અમને ભારત-નેપાળની જીવંત સરહદ – સુનૌલી – સુધી ખેંચી લાવી. પણ અહીં જે દ્રશ્ય હતું, તે ગોરખપુરના અંધાધૂંધી કરતાં પણ ચાર ગણું વધુ ભયાવહ હતું.
સુનૌલી માત્ર બે દેશોની સીમા નહોતી; તે અરાજકતા, વેપાર અને છૂપા રહસ્યોનું એક વિશાળ કેન્દ્ર હતું. અહીંનો કોલાહલ કાન ફાડી નાખે તેવો હતો. ધૂળનો ગોટેગોટ હવામાં જાણે સ્થિર થઈ ગયો હતો, જે બધે પીળી ચાદર પાથરી દેતો હતો. આ ધૂળ ટ્રકોની સતત અવરજવરથી પેદા થતી હતી, જેની લાંબી કતારો ભારતથી નેપાળમાં માલસામાન પહોંચાડવા માટે કલાકોથી ઊભી હતી. આ ભયંકર દ્રશ્ય અને અવાજના 'શૂન્ય'માં, વનિતાને માથું દુ:ખવા લાગ્યું. તેના ચહેરા પર થાક નહોતો, પણ એક પ્રકારની ઉદાસીનતા હતી – જાણે શરીરની બધી શક્તિ આ વાતાવરણમાં ખેંચાઈ ગઈ હોય.
"હાર્દિક, અહીં ઊભા રહીએ તો પણ આપણે માંદા પડી જઈશું,તમે પણ રૂમાલ બાંધીલો" વનિતાએ તેના દુપટ્ટાથી મોં ઢાંકતા ધીમા અવાજે કહ્યું .
મેં તેનો હાથ પકડીને સહેજ દબાવ્યો. આ એક અબોલ આશ્વાસન હતું; જેમ વર્ષોના સંબંધમાં ફક્ત એક સ્પર્શ પણ હજારો શબ્દોનું કામ કરી જાય છે. છેલ્લાં સાત દિવસમાં અમે કેટલાંય જોખમો, કેટલીયે અણધારી પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. પરંતુ દરેક વખતે, તેના હાથનો આ હળવો દબાણ મને યાદ કરાવતું કે આપણે બંને એકબીજાનો આધારસ્તંભ છીએ. મારી આંખોમાં તેને મેં શાંતિ અને વિશ્વાસનું વચન આપ્યું. તે નજરમાં હતાશા નહોતી, પણ એક પ્રશ્ન હતો: "શું આપણે આટલું જોખમ ખેડીને સાચું કર્યું છે?"
હું જાણતો હતો કે અમારે અહીંથી જલ્દી નીકળવું પડશે. ભારતીય બાજુના બજારમાં લોકોની અવરજવર, ગલ્લાઓ અને સિગારેટના ધુમાડાનો ગંધ, આ બધું હવે અમારા માટે જોખમી બની શકે તેમ હતું. આટલા વર્ષોની દોડધામ પછી, અમે હવે કોઈની નજરમાં આવવા માંગતા નહોતા.
અમે ઝડપથી પગપાળા 'નો મેન્સ લેન્ડ' તરફ ચાલવાનું શરૂ કર્યું. લગભગ સો ફૂટનો આ વિસ્તાર, જ્યાં ન તો ભારતીય કાયદો સંપૂર્ણપણે લાગુ પડતો હતો કે ન નેપાળી, તે હંમેશા એક પ્રકારનો અંધકારમય વિસ્તાર રહ્યો છે. અમારી પાસે જરૂરી દસ્તાવેજો હતા, જે મેં અગાઉથી જ તૈયાર કરી રાખ્યા હતા.સાંજના પાંચ વાગ્યા હતા, અને આકાશ ધીમે ધીમે તેના આખરી રંગો ગુમાવી રહ્યું હતું. સૂર્ય, જે આખો દિવસ યુદ્ધના મેદાન પરથી ગુસ્સે થઈને પસાર થયો હતો, તે હવે પશ્ચિમના ક્ષિતિજ પર ઊંડો નારંગી અને લોહિયાળ લાલ રંગનો પટ્ટો છોડીને અદૃશ્ય થવાની તૈયારીમાં હતો.
નો મેન્સ લેન્ડ પર પ્રકાશની તીવ્રતા ઓછી થતાં જ, તેનું ભયાનક સ્વરૂપ વધુ રહસ્યમય અને ખતરનાક લાગવા માંડ્યું. લાંબા, વાંકાચૂકા પડછાયાઓ કાદવના ઢગલાઓ અને આર્ટિલરીના ખાડાઓ પર ખેંચાઈ રહ્યા હતા, જે દરેક અવશેષને એક ભૂતિયા આકાર આપી રહ્યા હતા.
હવે ખાઈના કિનારેથી જોતાં, ક્ષેત્ર વધુ ધૂંધળું દેખાતું હતું. તૂટેલા કાંટાળા તારના જાળાં દિવસના પ્રકાશમાં જે સ્પષ્ટ હતા, તે હવે ધુમ્મસ અને અંધકાર વચ્ચે અસ્પષ્ટ બની ગયા હતા. દૂરની દુશ્મન ખાઈની રેખા લગભગ અદૃશ્ય થઈ ગઈ હતી, ફક્ત પૃથ્વીની એક કાળી ગાંઠ તરીકે દેખાતી હતી.
સંધ્યાનો આ સમયગાળો સૌથી જોખમી હતો, જેને સૈનિકો ‘ગોલ્ડન અવર’ નહીં, પણ ‘વોચ અવર’ કહેતા. બંને પક્ષો માટે પેટ્રોલિંગ શરૂ કરવાનો આ સમય હતો. શાંતિ વધુ તીવ્ર બની હતી, પણ તે તણાવપૂર્ણ હતી. સહેજ પણ ખખડાટ કે હિલચાલ આ શાંતિને તોડી શકે તેમ હતી.
હવા ઠંડી અને ભીની થઈ ગઈ હતી. કાદવ અને સ્થિર પાણીની તીવ્ર ગંધ વધુ ઘેરી બનતી જતી હતી. આકાશમાં છેલ્લા પ્રકાશની એક કિનારી ચમકતી હતી, જે ખાડાઓમાં ભરાયેલા પાણી પર પ્રતિબિંબિત થતી હતી, જાણે ભૂમિની આંખોમાં છેલ્લું આંસુ હોય.
આ ક્ષણે, નો મેન્સ લેન્ડ જીવંત લાગતું હતું; એવું લાગતું હતું કે ભૂમિ પોતે જ શ્વાસ લઈ રહી છે, રાત્રિના ભયાનક કાર્યો માટે તૈયાર થઈ રહી છે.
ઈમિગ્રેશન ચેકપોસ્ટ પર અમે અમારા આઈડી ચેક કરાવ્યા. અહીંના સરકારી કર્મચારીઓ બેદરકાર હતા – ચહેરા પરની થાક અને કામ પ્રત્યેની ઉદાસીનતા સ્પષ્ટ વર્તાતી હતી. તેઓ માત્ર યાંત્રિક રીતે મહોરો લગાવી રહ્યા હતા. આ સ્થિતિ અમારા માટે આશીર્વાદરૂપ હતી. કોઈ વધુ સવાલ-જવાબ નહીં, કોઈ ઊંડી તપાસ નહીં. અમે શાંતિથી અને ઝડપથી સરહદ પાર કરી ગયા.
જેમ જ અમે નેપાળની ધરતી પર પગ મૂક્યો, વનિતાએ ઊંડો શ્વાસ લીધો. તેના શરીરના બધા સ્નાયુઓ જાણે એકસાથે હળવા થઈ ગયા.
"હાશ! આપણે નેપાળમાં છીએ! આઝાદીની હવા!" વનિતાએ ધીમા સ્વરે કહ્યું.
"હા, હવે શાંતિ છે," મેં હકારમાં માથું ધુણાવ્યું. "સફરનો એક મુશ્કેલ તબક્કો પૂરો થયો. હવે જોખમ નહિવત્ છે, પણ સાવધ રહેવું પડશે."
મેં પાછળ ભારતની સીમા તરફ જોયું. ત્યાં હવે અફરાતફરી ઓછી થઈ ગઈ હતી. મારી નજર દૂર ઉત્તર તરફ ખેંચાઈ.
અહીં નેપાળની જમીન પરથી દ્રશ્ય અદ્ભુત હતું. દૂર દૂર ક્ષિતિજ પર ધવલ હિમાલયની પર્વતમાળાઓ ધીમે ધીમે દેખાવા લાગી હતી. આટલો સંઘર્ષ અને ભાગદોડ પછી, પ્રકૃતિની આ ભવ્યતા એક શામક જેવી હતી. સૂર્ય આથમી રહ્યો હતો, અને પર્વતો પર સોનેરી અને આછા જાંબલી રંગોની ચાદર પથરાતી હતી. બરફથી છવાયેલા પહાડો, જે શાંતિ અને અખંડિતતાનું પ્રતીક હતા, તે અમને આવકારી રહ્યા હતા.
વનિતા મારી બાજુમાં આવીને ઊભી રહી. તેણે પણ એ દ્રશ્ય જોયું. તેની આંખોમાંના ડરની જગ્યાએ હવે એક નવી આશા હતી.
"જો, હાર્દિક," વનિતાએ ધીમેથી કહ્યું. "એ બરફથી છવાયેલા પહાડો... આપણું લક્ષ્ય ત્યાં છે. મને વિશ્વાસ છે કે આ સુંદરતાની પાછળ આપણને એક નવી જિંદગી મળશે."
મેં તેના ખભા પર મૂક્યો. "જરૂર મળશે, વનિતા. બસ, થોડું વધારે ચાલવાનું છે."
તેણે શ્રદ્ધાથી મારો હાથ દબાવ્યો. તે જાણતી હતી કે રસ્તો ભલે ગમે તેટલો મુશ્કેલ હોય, હું તેના માટે આ જોખમમાંથી રસ્તો કાઢીશ અને તેની સાથે હંમેશા રહીશ. અમારો સંબંધ બે વ્યક્તિઓનો આધારસ્તંભ હતો, જેણે સરહદના શૂન્ય અને જીવનની દરેક મુશ્કેલીને પણ સહન કરી લીધું હતું. હવે, અમે આ પર્વતોના શરણમાં જઈ રહ્યા હતા, જ્યાં આશાનો સૂર્ય ફરી ઉગવાનો હતો. અમે એકબીજામાં વિશ્વાસ રાખીને, નેપાળની પહાડી બસ પકડવા તરફ આગળ વધ્યા.
***
નો મેન્સ લેન્ડ થી આગળ વધી અમે એક બસમાં અમારી જગ્યા મેળવી પશુપતિનાથના દ્વારે જવા નીકળ્યા.અમારી યાત્રા શરૂ થઈ ધીમી ગતિથી બસ પોતાના ગંતવ્ય સ્થાનના રસ્તા પર ચાલવા લાગી. છ વાગ્યે અમે બસમાં બેઠા ત્યારથી બસ એક પણ વાર પોરો લીધા વગર ચાલતી હતી. નવ વાગ્યા સુધીમાં ભૈરહવા બસ સ્ટેશન પરની રાત ધુમ્મસ અને એન્જિનના અવાજોના મિશ્રણથી ભારે બની ગઈ હતી. ભારતીય સરહદના છેલ્લા શ્વાસ સમું આ શહેર, અહીંથી હજારો ઊંચાઈ પર આવેલા કાઠમંડુને મળવા જતી સફરનું એક અશાંત પ્રવેશદ્વાર હતું. અમારે અહીં ઉતારવાનું હતું.
અમે બસ પકડવાના અડધો કલાક પહેલાં સ્ટેશન નજીકની એક સાદી પણ સ્વચ્છ હોટલમાં દાખલ થયા. નેપાળમાં પ્રવેશ્યા પછી, અમે નક્કી કર્યું હતું કે ભોજનમાં સ્થાનિક સ્વાદ જાળવવો. રાતની લાંબી મુસાફરી પહેલાં, અમારે પેટ ભરીને ખાવું જરૂરી હતું, પણ ભારે નહોતું થવા દેવું.
અમે વિવિધ નેપાળી વાનગીઓનો ઓર્ડર આપ્યો. વનિતાએ ઉત્સાહથી નેપાળની પ્રખ્યાત વાનગી મોમો મગાવી—બાફેલા, ગરમાગરમ ડમ્પલિંગ્સ જે લાલ, તીખી ચટણી સાથે આવ્યા. મેં એક બાજુ તરકારી એટલે કે મસાલેદાર શાકભાજીની કરી અને બીજી બાજુ સેલરોટી મગાવી. સેલરોટી એટલે ચોખાના લોટમાંથી બનેલી, મીઠી અને ચકરાકાર, તળેલી રોટી—ખાસ કરીને અહીં દશેરાના તહેવારોમાં ખવાતી. અમે આ સ્વાદિષ્ટ, ઊર્જા આપતા ભોજનનો આસ્વાદ લીધો. મોમોની તીખાશ, તરકારીની ગરમી અને સેલ રોટીની હળવી મીઠાશ—આ બધું આવનારી મુશ્કેલ રાત માટે એક પ્રકારનો આશ્વાસન આપનારું પોષણ હતું.
જમીને અમે બહાર નીકળ્યા. અમારો બેગપેક ખભા પર નાખીને ઊભા હતા, દસ કલાકની પહાડી મુસાફરીનો વિચાર માત્રથી શરીરમાં કમકમાટી છૂટી જતી હતી.
અમારી બસ કોઈ વૈભવી ટુરિસ્ટ બસ નહોતી. તે નેપાળની અસલી, સ્થાનિક લાકડાના ફ્રેમવાળી, જૂની ટાટા ચેસિસ પર બનેલી નાની 'સ્થાનિક' બસ હતી, જેનું બોનેટ ધણધણતું હતું અને જેના કાચ મેલા ધુમ્મસથી ઢંકાયેલા હતા. રાતના નવ વાગ્યાનો સમય થયો. ડ્રાઈવરે એક લાંબો હોર્ન વગાડ્યો અને મુસાફરો એકબીજાને ધક્કો મારીને અંદર જવા લાગ્યા. અમારો નંબર છેલ્લે આવ્યો. સીટ નંબર ૨ અને ૩.
અંદરનું વાતાવરણ અપેક્ષા મુજબ ગરમ અને ગૂંગળાવનારું હતું. ડીઝલની ગંધ, પરસેવાની ખારાશ, અને મસાલેદાર મોમોની સુગંધ હવા સાથે ભળી ગઈ હતી. અમે અમારા બેગપેક ઉપરની સાંકડી જાળીમાં સરકાવ્યા અને બેઠા. મારી સીટ બારી પાસે હતી, જે બારીના કાચને બદલે જાડી પ્લાસ્ટિકની શીટથી બંધ હતી. આજુબાજુના લોકોમાંથી ઘણાં ખભે કોથળાવાળા ગ્રામજનો હતા, જે કાઠમંડુની સવારે પોતાનો સામાન વેચવા જઈ રહ્યા હતા.
ડ્રાઈવરે ગિયર નાખ્યો, અને બસે એક લાંબો આંચકો લીધો. દસ કલાકનો પહાડી પ્રવાસ શરૂ થયો.
શરૂઆતમાં રસ્તો પ્રમાણમાં સીધો હતો. પરંતુ અડધા કલાકમાં જ અમે પૃથ્વી હાઈવે પર ચડવાનું શરૂ કરી દીધું. રસ્તાની બાજુમાં, અંધકારમાં, નીચે ત્રિશૂળી નદી વહેતી હતી. તે માત્ર વહેતી નહોતી, પરંતુ તેની ગર્જના થાક્યા-પાક્યા પહાડોની શાંતિને ચીરતી હતી. પૂરપાટ ઝડપે ધસમસતા પાણીનો અવાજ ગર્જના કરતો હતો, જાણે તે પહાડોને પડકારી રહી હોય.
બસની લાઇટોની રોશનીમાં, મેં જોયું કે હવે રસ્તો સાપની જેમ વાંકોચૂંકો થવા લાગ્યો હતો. એક વળાંક પર બસ ઝૂકતી, ત્યારે લાગતું કે હવે અમે સીધા નદીમાં જ ગબડી પડશું. વનિતાનો થાક મારા મગજમાં દબાણ કરતો હતો, પણ તેની હાજરી એક સ્થિર લંગર જેવી હતી.
બસના એન્જિનના સતત ઘરરર-ઘરરર' અવાજ અને પહાડોની ઠંડી, ભીની હવા વચ્ચે અમે ગોઠવાયા. મેં વનિતાને મારી સીટ તરફ ખેંચી.
"તમારો ખભો હવે મારું ઘર છે," વનિતાએ આરામથી માથું મારા ખભા પર ટેકવ્યું.
રાતભર અમે જાગતા રહ્યા—અથવા જાગવાની કોશિશ કરતા રહ્યા. બસના આંચકા એટલા પ્રબળ હતા કે ઊંઘ કોઈ પણ રીતે ટકી શકે તેમ નહોતી. એટલામાં વનિતા અડધી રાત્રે જાગી. તેણે જોયું કે હું બારી બહાર તાકી રહ્યો છું, પણ ખરેખર તો હું થાકને કારણે અર્ધજાગ્રત અવસ્થામાં ઝૂલી રહ્યો હતો.
"હાર્દિક," તેણે મારા કાન પાસે ધીમેથી પૂછ્યું. "તમને શરીરને દુખે છે ? તમે સીટ પર બરાબર સૂઈ પણ નથી શકતા.
"ના મે આરામ કરી લીધો છે"
"મને ખબર છે, તમે જૂઠું બોલો છે. તમારું શરીર દુઃખે છે."
મને આશ્ચર્ય થયું કે તે મારી પીડાને આટલી સરળતાથી કેવી રીતે સમજી ગઈ. આ પણ એક સ્ત્રીનો સહજ સ્વભાવ છે. "ના, મને દુખતું નથી," મેં ટેવવશ જૂઠું કહ્યું. પણ તે સાચું હતું: મારા શરીરના દરેક સ્નાયુઓ બસના ઝટકાથી કણસતા હતા, જાણે મારું શરીર જોરથી ખુંદાઈ રહ્યું હોય.
"તમારું માથું સીટની પાઈપ સાથે અથડાય છે. ચાલો સૂઈ જાવ મારા ખોળામાં માથું રાખી," તેણે હળવેકથી કહ્યું, જાણે કોઈ માતા બાળકને સમજાવતી હોય. "હું જાગું છું, તમે મારા ખોળામાં સૂઈ જાવ."
સામાન્ય સંજોગોમાં મેં વિરોધ કર્યો હોત. પણ એ રાત્રે, પહાડી માર્ગો પરની એ બસમાં, મારો થાક હવે મારા કાબૂ બહાર હતો. મેં સંપૂર્ણપણે હાર માની લીધી.
મેં ધીમેથી મારું શરીર સીટ પરથી સરકાવ્યું અને મારું માથું તેના ખોળામાં મૂક્યું. વનિતાએ તરત જ મારી ગરદન નીચે પોતાની હથેળી ગોઠવી અને પછી મારા માથા પર હાથ ફેરવવાનું શરૂ કર્યું.
અચાનક, બસનું ધણધણવું, નદીની ગર્જના અને ઠંડી હવા—બધું જ દૂર થઈ ગયું. મારા કાનમાં તેના હૃદયના ધબકારાનો એક ધીમો તાલ સંભળાતો હતો. તેના વાળની હળવી સુગંધ, તેના ગીતો, તેની હૂંફ અને તેના હાથનો સ્પર્શ... એ એકમાત્ર શાંતિ હતી જે મને આખી મુસાફરીમાં મળી.
મારા થાકેલા અસ્તિત્વ માટે, આ ક્ષણ એક મહાભિનિષ્ક્રમણ હતી.
મેં એ રાત્રે, સ્વેચ્છાએ, મારા અહંકાર, મારા શરીરની પીડા અને મારી ઊંઘ પરનો કાબૂ—બધું જ વનિતાના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું. આ એક શરણાગતિ હતી, જેણે મને બધી જ દુન્યવી મુશ્કેલીઓમાંથી મુક્ત કરી દીધો. બદલામાં મને મળ્યો હતો તેનો અતૂટ પ્રેમ અને વિશ્વાસ, જે કોઈ પણ ભયના પડછાયાને હરાવવા માટે પૂરતો હતો. હું એ રાત્રે નિર્ભય બન્યો, માત્ર એટલા માટે કે મારું માથું એક એવી વ્યક્તિના ખોળામાં હતું, જેણે મારા સૌથી નબળા સમયે મારી શક્તિ બનવાનું પસંદ કર્યું હતું. ત્રિશૂળી નદીનો પ્રેમપથ, હવે અમારો પ્રેમપથ બની ચૂક્યો હતો.
***
બસ ધીમે ધીમે થમેલની સાંકડી ગલીઓમાંથી પસાર થઈ રહી હતી. સવારના ચારના સમયનો કાઠમંડુ જાણે કાચના પારદર્શક ટુકડા જેવો શાંત લાગતો હતો. પવનમાં કટાર જેવી ઠંડી હતી, અને અઢાર કલાકની મુસાફરીથી શરીર થાકી ગયું હતું, પરંતુ મનમાં એક અજાણી ચમક હતી—કૈલાસ તરફની યાત્રાનો પ્રથમ સ્પર્શ.
અમે ટેક્સી રોકીને પશુપતિનાથ તરફ આગળ વધ્યાં. શહેર સૂતું હતું, પરંતુ રસ્તાઓ પર પવનનું ગુંજન કોઈ તાંત્રિક સ્તોત્રની જેમ સંભળાતું હતું. એક કલાક પછી, ઠંડી ધ્રુજારીમાંથી પસાર થતાં અમે મંદિરના મુખ્ય દ્વાર પાસે પહોંચ્યા. બાઘમતીની કિનારે પ્રગટતી દીવટાઓના કંપતા પ્રકાશે પાણીની સપાટી પર સોનેરી નૃત્ય થતું હતું. પાંચ વાગ્યાની આરતીનો પ્રથમ ઘંટ વાગતાં સમગ્ર વાતાવરણ એક અનોખી દિવ્યતા સાથે ભરાઈ ગયું. ઘંટારવ, ભજન, ધૂપની સુગંધ અને દીવાના પ્રકાશમાં વણાતો ઝગમગાવો—આ બધું મળીને મનના અંધકારને પ્રકાશથી ધોઈ રહ્યું હતું.
અમે આરતીમાં ઊભા રહ્યા. પગોમાં થાકનો ભાર હતો, પરંતુ આત્મા અજાણ્યું પંખો ઉગાડીને ઊંચે ઊડી રહ્યો હતો. આરતી પૂર્ણ થયાં પછી, અંદરથી થતાં અદ્દભુત હળવાશે જાણે શ્વાસને નવા આકાર આપ્યા. મંદિરની પાછળ બાઘમતીના ઓટલા પર અમે બેસી રહ્યાં. દૂર સૂર્યનો પ્રથમ અંખડો પાણીમાં પીળું સોનું ઉડાડતો હતો, સાધુઓ ધીમા જપ કરી રહ્યાં હતા અને પવનમાં ધૂપની સુગંધ સવારના સંગીત સાથે ભળી રહી હતી.
વનિતા મારી બાજુમાં શાંતિથી બેસી. મેં નરમાઈથી તેના ખભા પર હાથ રાખ્યો અને એણે પોતાનું માથું મારી છાતી પર મૂકી દીધું. કોઈ શબ્દોની જરૂર નહતી. આ નિશ્વાસમાં જ હજારો વાતો હતી—યાત્રાના પડકારો, અજાણી ઊંચાઈઓ, અચાનક થાક, અને અચલ વિશ્વાસ કે કઈ પણ થાય, આપણે સાથે છીએ. થોડા પળો માટે સમય થંભી ગયો. આ ક્ષણ, પશુપતિનાથના સાક્ષીત્વમાં, કૈલાસની યાત્રાનો અનૌપચારિક શપથ બની ગયો.
આઠ વાગ્યે થમેલ પરત ફરી હોટેલના સાદા રૂમમાં પહોંચ્યાં અને નાસ્તો કરવા નીચે ઉતર્યા. ગરમ આલુ પરાઠા, દહીં અને નેપાળી ચિયા—એક કપમાં ઓગળતી જીવનશક્તિ જેવાં લાગ્યાં. શરીરમાં નવજીવન આવ્યો, પરંતુ તે પછી થાક ગાઢ ધુમ્મસની જેમ ફરી ચડી આવ્યો. અમે નક્કી કર્યું કે હવે આરામ જરૂરી છે.
બિસ્તર પર પડતાં જ રૂમમાં મમળાતો પ્રકાશ, બહારની શાંતિ અને અંદરના હૃદયધબકારોની ધીમી તાલ—આ બધું એકસાથે મળીને એક નરમ આલિંગન બની ગયું. વનિતાએ ફરી મારી છાતી પર માથું મૂકી આંખો બંધ કરી. તેના શ્વાસની ગરમાશ અને શરીરની થાકમાંથી નીકળતી શાંતિ એકબીજામાં વહેતી હતી. થોડા સમય પછી બંને ઊંઘમાં તરડાયા, જાણે કોઈ દીર્ઘ સમુદ્રની તરંગે ખેંચી લીધાં.
કેટલાક સમય પછી વનિતા ધીમેથી જાગી. ખૂબ કાળજીથી એણે મારી છાતી પરથી પોતાનું માથું ઊંચું કર્યું અને બિસ્તર પર સીધી બેસી. પછી એણે મારું માથું પોતાના ખોળામાં લઈ લીધું, મારી વાળમાં આંગળીઓથી શાંત સ્પર્શ કરતી રહી. હું આંખો ખોલતા જ તેના ચેહરાના પ્રકાશમાં અજાણી શાંતિ દેખાઈ. મલકાતા એ નજર મારી આત્માની અંદર સુધી ઊતરી ગઈ.
હું ધીમે ઊભો થયો અને અમે એકબીજાની તરફ આગળ વધ્યાં. ગળે મળવાનું એ ક્ષણમાં કોઈ ઉતાવળ, કોઈ બેફામ લાગણી નહોતી. ફક્ત બે દિલો વચ્ચેનું નિશ્વાસરૂપ સંગીત. એ વિશ્વાસ હતો, સુરક્ષા હતી, અને પ્રેમનું શુદ્ધ સ્વરૂપ હતું. પ્રણય મૌનમાં થયો, જેમાં શરીર નહીં, આત્મા બોલતો હતો. બહારની ઘડિયાળે બપોરના બાર વાગ્યા. અમે થોડા મલકાતા અલગ થયા. નીચે જઈ ભોજન કર્યું—દાળ, ભાત અને ગરમાગરમ શાક. સાદું, પણ સંતોષથી ભરેલું.
રૂમમાં પાછાં આવી, અમે ફરી બિસ્તર પર પડ્યા. આ વખતે કોઈ શબ્દ ન બોલ્યા; બંનેએ ફક્ત હાથ લંબાવી એકબીજાને નજીક ખેંચ્યું. આલિંગન ગરમ હતું, સલામત હતું, અને પોતાની અંદર એક વચન લઈને આવતું હતું:
જ્યાં સુધી શ્વાસ છે, આપણે એકબીજાને નહિ છોડીએ.
થોડી જ પળોમાં ફરી ઊંઘ આવતી ગઈ અને અમે શાંતિપૂર્વક ઊંઘમાં મુસાફરી ચાલુ રાખી. બપોરનો આ આરામ માત્ર શારીરિક થાક ઉતારવા માટે નહોતો, પણ મનને ઓછા ઓક્સિજન અને બર્ફીલા પવનો માટે તૈયાર કરવા માટેનો હતો. સપનામાં પણ હિમાલયની શાંત, સફેદ શિખરો દેખાતી હતી.
આશરે ત્રણ કલાક પછી, જ્યારે મારી આંખ ખૂલી, ત્યારે રૂમમાં સહેજ અંધારું હતું. વનિતા હજી શાંતિથી સૂતી હતી. મેં ધીમેથી પથારીમાંથી બહાર નીકળીને પડદો ખોલ્યો. થમેલ હવે સંપૂર્ણપણે જાગી ગયું હતું.
બારીમાંથી નીચે જોતાં, થમેલ એક રંગીન અને ધમાલિયું બજાર લાગતું હતું. પર્વતારોહણના સાધનોની દુકાનો (ટ્રેકિંગ ગિયર સ્ટોર્સ), સિલ્ક સ્કાર્ફની લારીઓ, અને પિત્તળની મૂર્તિઓના વેપારીઓનો અવાજ ગુંજતો હતો. અહીં પર્યટકોની ભીડ હતી—હળવા થેલાવાળા યુરોપિયન બેકપેકર્સ, અને ભારે ભરખમ ટ્રેકિંગ બૂટ પહેરેલા ચાઇનીઝ પ્રવાસીઓ. દરેક વ્યક્તિનું પોતાનું એક લક્ષ્ય હતું; કોઈ એવરેસ્ટના બેઝ કેમ્પ તરફ જઈ રહ્યું હતું, તો કોઈ પોખરાની શાંતિ શોધવા નીકળ્યું હતું.
અમારી યાત્રા આ બધાથી જુદી હતી. આ માત્ર ટ્રેકિંગ નહોતું; તે એક આધ્યાત્મિક તીર્થયાત્રા હતી.
મેં બપોરના સૂર્યપ્રકાશમાં હોટેલના બારીમાંથી મારા જમણા હાથ તરફ નજર ફેરવી. દૂર, ઉત્તર દિશામાં, વાદળોની પાછળ મહાભારત પર્વતમાળાના આછા ભૂખરા શિખરો દેખાતા હતા. એ દિશામાં જ અમારે જવાનું હતું, વિશ્વના સૌથી પવિત્ર શિખર તરફ.
મેં મારા થેલામાં રાખેલા પાસપોર્ટ અને પરમિટોને સ્પર્શ કર્યો. આ કાગળના ટુકડા જ અમને કાઠમંડુની આ ધમાલમાંથી કાઢીને હિમાલયની પવિત્રતા સુધી પહોંચાડવાના હતા.
ચાર વાગ્યે વનિતા જાગી. એક ગ્લાસ પાણી પીધા પછી અમે થોડા તાજા થયા. હવે સૌથી મહત્ત્વનું કામ બાકી હતું—માર્ગદર્શક (ગાઇડ) ને શોધવાનું, જે અમને આ યાત્રાના બીજા તબક્કામાં સહાય કરી શકે. અમે હોટેલના લોબીમાં ગયા અને મેં મેનેજરને પૂછ્યું: "અમને કૈલાસ માનસરોવર યાત્રા માટે એક અનુભવી, વિશ્વસનીય નેપાળી ગાઇડની જરૂર છે, જે ચીનની સરહદ સુધી પહોંચવામાં મદદ કરી શકે."
મેનેજરે હસીને કહ્યું, "સર, તમે સાચી જગ્યાએ આવ્યા છો. થમેલ ગાઇડ્સનું ઘર છે. પણ કૈલાસની યાત્રા ખૂબ ગંભીર છે. હું તમને દોર્જેને મળાવીશ. તે માત્ર ગાઇડ નથી, તે આ પહાડોના ધર્મ અને ઇતિહાસને જાણે છે. તે સાંજે અહીં આવશે."
માર્ગદર્શકની અપેક્ષાએ અમારા મનમાં રહેલી અનિશ્ચિતતા ઓછી કરી. અમે પરત ઉપર રૂમમાં આવ્યા. હવે શરીર અને મન બંને શાંત હતા. સાંજે દામોદરને મળવાની રાહ જોતા અમે અમારા નકશા અને યાત્રાના સાધનો ફરી એકવાર તપાસ્યા.
યાત્રા હવે શરીરથી નહીં, હૃદયથી આગળ વધવા તૈયાર થઈ રહી હતી. હવે બસ એક વિશ્વસનીય પગલાની રાહ હતી, જે અમને
આ સફર પર આગળ ધપાવે.