(સત્યઘટના)
શબ્દો-૩૨૫
શિર્ષક - એન્જિન ડ્રાઇવરની વ્યથા.
    મારા નાના ખૂબ જ સેવાભાવી. ગુંદી ગામમાં આવેલાં સેવાઆશ્રમમાં એ દાન આપે અને નેત્રયજ્ઞ, મહિલા રોગનિવારણ, બાળરોગ નિવારણ  કેમ્પ એવાં આયોજન કરે. બધાં તબીબો વિનામૂલ્યે સેવા આપે બાકીનો ખર્ચો નાના પોતે આપે. જ્યારે રજાઓમાં નાના  ગુંદીઆશ્રમમાં જાય ત્યારે અમે પણ સાથે જઈએ. રેલગાડીમાં બેસીને જવાનો ત્યારે આનંદ જ અનોખો હતો.
   આશ્રમના સંચાલિકાને અમે કાશીફૈબા કહેતાં. એમણે  આજીવન સેવાનો ભેખ લીધો હતો. સફેદ દૂધ જેવા કપડાંમાં એમનું વ્યક્ત્વિ ઝગારા મારતું .એમનો તેજસ્વી ચહેરો જોઈને મસ્તક આપોઆપ ભાવથી નમી જતું.
  એકવાર આશ્રમની સફાઇ કરનાર બહેન નહોતાં આવ્યાં એટલે કાશીફૈબાએ મને તેમનાં ઘરે બોલવવા મોકલી. ત્યાં જઈને જોયું તો'તે તેમનાં પતિ અને બાળકો સાથે ઉદાસ બેઠાં હતાં.
મેં કારણ પૂછ્યું તે બોલ્યાં
  "આ ટીનાનાં બાપુ રેલગાડીનાં ડ્રાઇવર છે આજે એમની ગાડી નીચે એક ૨ઝળતું ઢોર કપાઇને મરી ગયું."
  "ઓહ 'મને પણ ભારે દુ:ખ થયું.
  "જ્યારે જ્યારે આવો અકસ્માત થાય ને ત્યારે તે ખૂબ જ ઉદાસ થઈ જાય છે અને આખો દિવસ ઉપવાસ કરે છે."
  મારા માટે આ નવું હતું.
   "જો કોઈ માણસ કપાઈ જાય તો તો અઠવાડિયાં દસ દિવસ સુધી રડ્યાં કરે અને સરખું ખાયે ય નહીં."
સાંભળીને મારી આંખ પણ ભરાઇ આવી.
  "હું સમજાવું કે એમાં તમારો શું વાંક? તમારે તો આખી ગાડીમાં બેઠેલાં લોકોને બચાવવાં હોય એટલે બ્રેક ના મારી શકો ."
  "અરે એ તો બોલાય છે . સામે કોઈ માણસને કપાતો જુઓ ત્યારે ખબર પડે કે કેટલી વેદના થાય છે. એ માણસ તો ક્ષણિક આવેગમાં પોતાનો જીવ દઇ દે છે પણ એનાં પરિવારની શું હાલત થતી હશે તે વિચારો અને મારે તો એને બચાવવો હોય તો પણ એવી મજબૂરી કે હું હોર્ન માર્યા સિવાય કાંઈજ ના કરી શકું." બોલીને તે ભાઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યાં.
  હું સ્તબ્ધ થઈને ત્યાં બેસી રહી.થોડીવાર પછી પેલાં બહેન બોલ્યાં
  "જા બેટાં હું આવું છું થોડીવારમાં. મોટાંબેનને કહેજે ચિંતા ના કરે હું મોડા મોડા ય સફાઇ કરી જઈશ."
   આ બનાવ વખતે હું ઘણી નાની હતી છતાંય મારા મગજમાં હજીયે આખો બનાવ અંકિત થયેલો છે.
             હેતલ પટેલ. (નિજાનંદી)