જાગી ગયા એમ ને?
હવે ગઈકાલ જેવું જીવશો કે પછી...
અજ્ઞાત
દરેક સવારે આંખો ખુલે છે – પણ શું ખરેખર “જાગી ગયાં” કહીએ એ સાચું છે?
ઘણીવાર તો શરીર જાગે છે,
પણ મન? મન તો હજુ ગઈકાલની મૂંઝવણમાં ફરતું રહે છે. આપણે બસ “સમય પસાર” કરીએ છીએ –
અને એક દિવસ આખી જિંદગી પૂરી થઈ જાય છે.
ગીતાજીના લખ્યું છે, “एकोऽहं, द्वितीयो नास्ति, न भूतो न भविष्यति”
હું એક જ છું – મારી સમકક્ષ બીજું કંઈ નથી. ના હું ભૂતકાળમાં હતો, ન ભવિષ્યમાં હોઈશ.
આ કોઈ અહંકારથી ભરેલી અવાજ નથી –
આ છે એક આત્મબોધ, જે જાણી ગયો છે
કે હું જે છું, એ દરેક પળ માટે ખાસ છું. મારા જેવું અહીં બીજું કોઈ નથી. ને હશે પણ નહીં. કારણકે દુનિયામાં કોઈ બીજું વ્યક્તિ નથી, "જે તમારી જેમ વિચારે, જીવે, સપને જુએ, કે અનુભવે."
તમે “એકજ” છો – એમાં જ તમારી શક્તિ છુપાયેલી છે.
તો હવે પ્રશ્ન છે:
"જ્યાં અટક્યા છો ત્યાંથી નવી શરૂઆત કરશો કે નહીં?"
જીવન કોઈ ભૌગોલિક નકશો નથી કે જ્યાંથી પાછા ફરી શકાય નહીં. દરેક શ્વાસ એક નવી દિશાનો દ્વાર છે. તમારી આજ તમારું ભવિષ્ય રચી શકે છે –
પણ ફક્ત ત્યારે,
જ્યારે તમે “આજે” જીવવાનું પસંદ કરો. આજને માણો છો. આ ક્ષણને માનો છો.
“આજનો સંકલ્પ શું હોઈ શકે?”
– આજે હું મારી અંદર છુપાયેલા ભયોથી મુક્ત રહીશ.
– આજે હું મારી જાતમાં સંતોષ નહિ, પરંતુ ઊર્જા શોધીશ.
– આજે હું મારા સપના માટે આજે કોશિશ કરીશ.
– આજે હું મારા માટે જીવીશ.
– હું છું તો બધું જ છે. હું નથી તો કંઇ નહીં. કેમ કે…
"હું એક જ છું. મારા જેવું બીજું કોઈ નથી.
અને એ સમજ જે દિવસે થઈ જશે, એ દિવસે હું ફરી જન્મીશ."
એ નવો જન્મારો એટલે આપણી “આજ” આજને ભરપૂર જીવો. તમે ચોક્કસ તમારી મંજિલે પહોંચી જશો.
દર્શના હિતેશ જરીવાળા "મીતિ"