" ભાર લઈને ફરું છું "
ત્રણ શબ્દ ન કહી શકવાનો ભાર લઈને ફરું છું.
પ્રણયની આ રમતમાં હું હાર લઈને ફરું છું.
કઠપૂતળીના મંચ જેવું, બનતું ગયું છે જીવન,
એક મુખોટે રોજ નવો કિરદાર લઈને ફરું છું.
કળવા નથી દેતો કોઈને આ હૃદયની વ્યથાને,
ભીતરમાં એવો એક અદાકાર લઈને ફરું છું.
સમાવી બેઠો છું સાત સમંદર આ આંખોમાં,
હસતી આંખોમાં પણ હું ક્ષાર લઈને ફરું છું.
આમ જુઓ તો છે હર કોઈનો સાથ સંગાથ,
ને આમ જુઓ તો સૂનો સંસાર લઈને ફરું છું.
ઝગમગાતો રહું છું "વ્યોમ" માફક બહારથી,
પણ શું કહું? અંદર એક અંધકાર લઈને ફરું છું.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.