સ્ત્રી સંવેદનાને વાચા આપતું પુસ્તક એટલે રિંકલ વાડોલિયા લિખિત – સંબંધ એક રહસ્ય.
લેખિકાએ તેર પ્રકરણોમાં તેમના અનુભવો રજૂ કર્યા છે, જે વાંચનથી, સમાજથી, પોતાની અત્યાર સુધીની જિંદગીથી મળ્યા છે. વુમન ઓરિએન્ટેડ બુક હોવાથી આ પુસ્તકમાં કેન્દ્રસ્થાને સ્ત્રી અને તેના અનુભવો, સંવેદનો છે. આ સિવાય parenting, સોશિયલ લાઇફ, self development, self loveની સમજૂતી પણ સરળ ઉદાહરણો દ્વારા અપાઈ છે. સ્ત્રી તેની જિંદગીમાં અનેક પાત્રો ( દીકરી, બહેન, પત્ની, માતા, મિત્ર, કોઈ પ્રોફેશનલ પર્સનાલિટી વગેરે) પૂરી નિષ્ઠાથી ભજવે છે, પરંતુ ક્યાંકને ક્યાંક એની ઈચ્છાઓને, આત્મસન્માનને અવગણવામાં આવે છે. પરિવાર પ્રત્યે, સંબંધો પ્રત્યે, સમાજ પ્રત્યે પોતાની ફરજો પૂરા સમર્પણભાવથી નિભાવે છે, પરંતુ આ બધામાં ક્યાંકને ક્યાંક એ એકલી રહી જાય છે. સ્ત્રીને તમારા તરફથી વફાદારી, સાથ – સહકાર, સન્માન, પ્રેમ મળે એટલે એ પોતાની જાતને ન્યોછાવર કરી દે છે. કોઈ પણ સંબંધ હોય ત્યાં સત્ય, વિશ્વાસ અને વફાદારી હોવી જોઈએ, તો જ એ સંબંધ ટકી શકે. માત્ર બીજાને ખુશ કરવા માટે નહીં પરંતુ આપણી જાતને ખુશ કરવા માટે પણ જીવવાનું. અતિમાં ગતિ ન હોય એમ, બધું માપમાં રાખવાનું અને રહેવાનું. પોતાના લક્ષ્ય તરફ દ્રઢપણે આગળ વધવાનું, લોકોની પરવાહ કર્યા વગર. લોકોની વિચારધારા સાવ ન બદલી શકીએ, પણ આપણે આપણો રસ્તો બદલી શકીએ. છેલ્લે self respect નાં લેખ સાથે બુકનો સંતોષકારી પૂર્ણવિરામ થાય છે.
– વિશાખા મોઠિયા